Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

આ કોરોના- ફોરોના મારૂ કંઈ બગાડી નહી શકે

૧૦૫ વર્ષના ઉજીબા સામે કોરોનાની શરણાગતિઃ ગામડામાં જાતે ખેતી કરે છે, ૧૯ સભ્યોનો સંયુકત પરિવાર

સુરતઃ 'દિકરા, કોરોના મારૃં કશું બગાડી નહીં શકે.., મને કશું થવાનું નથી, તું જોજેને હું સાજી નરવી થઈને ઘેર જઈશ...હોસ્પિટલના બિછાને સારવાર લઈ રહેલા સચિનના ૧૦૫ વર્ષના કોરોનાગ્રસ્ત ઉજીબાએ જયારે આ શબ્દો ઉચ્ચાર્યા ત્યારે તેમની સારવાર કરતાં ડોકટરને તેમનો આત્મવિશ્વાસ જોઈ સુખદ આશ્ચર્ય થયું. તેમની જૈફ ઉંમર અને ઉપરથી કોરોના જેવો ગંભીર ચેપી રોગ જોતા માજી સ્વસ્થ થશે કે કેમ એ વિષે તેઓ શંકાશીલ હતા.

આખરે ઉજીબા શબ્દશઃ સાચા ઠર્યા જ્યારે માત્ર નવ દિવસની સારવાર મેળવ્યા બાદ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, મકકમ મનોબળના ઉજીબા સામે કોરોનાએ શરણાગતિ સ્વીકારી. માજી સ્વસ્થ થતાં પરિવારને અનહદ આનંદ છે. દાદીમાએ મકકમ મનોબળથી કોરોનાને મ્હાત આપી છે. ૧૦૫ વર્ષે પણ ઉજીબા યુવાનોને પણ શરમાવે એવી ઉર્જા સાથે અડીખમ છે.

આ વાત છે મૂળ રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના સુલતાનપુર ગામના વતની અને સુરતના સચિન વિસ્તારમાં રહેતાં ઉજીબેન ગોંડલીયાની છે. જેઓ ૧૯ સભ્યોના સંયુકત પરિવાર સાથે રહે છે. ગામડાના મહેનતકશ જીવન, સ્વચ્છ વાતાવરણ, શુદ્ધ અને સાત્વિક આહારના કારણે કોરોના સામે ઝીંક ઝીલી ખુબ ઓછા દિવસોમાં વિજયી થયાં. કોરોનાને મ્હાત આપનાર દાદીમાં બીજું વિશ્વયુદ્ધ, આઝાદીની લડાઈ, અનેક હોનારતો, ઐતિહાસિક ઘટનાઓના સાક્ષી રહ્યાં છે.

ઉજીબાના ૫૫ વર્ષીય પુત્ર ગોવિંદભાઈ ગોંડલીયા 'હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ'ના ડિરેકટર અને સચિન પાટીદાર સમાજના પ્રમુખ છે. તેઓ જણાવે છે કે, મારી માતા ઉજીબાએ ખેતીમાં તનતોડ મહેનત કરી છે. માતા ગામડે ખેતરમાં જાતે હળ અને સાંતી ચલાવતા, પાણી વાળતા અને બળદગાડું પણ ચલાવતા.

સમર્પણ હોસ્પિટલમાં માજીની સારવાર કરનાર ડો.અનિલ કોટડિયા જણાવે છે કે, તા.૧૧ ના રોજ રિપોર્ટ પોઝિટીવ આવતાં ઉજીબાને દાખલ કરાયા હતાં. તાવ, શરદી, નબળાઈ જેવા લક્ષણો હતાં, જેથી યોગ્ય સારવાર શરૂ કરી અને ૧૪મી એપ્રિલથી જ તેમના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળ્યો હતો. જ્યારે પણ અમે ચેકઅપ અને દવા આપવા જતાં ત્યારે હંમેશા હસતા મુખે કહેતા કે 'દિકરા,કોરોના મારૃં કશું બગાડી નહીં શકે.., આ કોરોના-ફોરોનાથી મને કશું થવાનું નથી.'

(4:35 pm IST)