Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

અમદાવાદમાં પોઝીટીવ કોરોના કેસમાં ચિંતાજનક વધારોઃ સતત ચોથા દિવસે 5 હજારથી વધુ કેસ નોંધાતા ચિંતા પણ વધી

અમદાવાદ: કોરોના વાઈરસની બીજી લહેર સામે અમદાવાદની સ્વાસ્થ્ય સુવિધાઓ હાંફી રહી છે. શહેરમાં પ્રતિદિન નોંધાતા નવા કેસો તેના જૂના રેકોર્ડ તોડી રહ્યાં છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે સરકાર દ્વારા રાત્રિ કરફ્યુ સહિતના આકરા પગલા લેવામાં આવતા હોવા છતાં પોઝિટિવ કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ કોરોનાનું હોટ સ્ટોપ બનીને ઉભરી રહ્યું હોય તેમ સતત ચોથા દિવસે 5 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.

સરકારી આંકડા અનુસાર, અમદાવાદ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ઓલટાઈમ હાઈ 5864 નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાંથી શહેરી વિસ્તારમાં 5790 અને ગ્રામ્ય વિસ્તારના 74 નવા કેસ છે. આ સાથે જ અમદાવાદ જિલ્લામાં 2 અને શહેરી વિસ્તારમાં 27 મળીને કુલ 29 મરણ નોંધાયા છે.

જો કે રાહતની વાત એ રહી છે કે, એક જ દિવસમાં અમદાવાદ શહેરમાં 1590 અને ગ્રામ્યમાં 54 દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ થયા છે. આ સાથે જ 24 કલાકમાં 1644 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

નવા કેસ ઉમેરાવાની સાથે જ અમદાવાદ શહેરી અને જિલ્લામાં મળીને કુલ કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 1,32,629 પર પહોંચી ચૂક્યો છે. જ્યારે આ જીવલેણ વાઈરસ જિલ્લાના 2,791 નાગરિકોને અત્યાર સુધીમાં ભરખી ચૂક્યો છે. જો કે 86,959 કોરોનાગ્રસ્ત દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

અમદાવાદમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધવાની સાથે જ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. શહેરમાં કોરોના સંક્રમણની સ્થિતિને જોતા વધુ 9 વિસ્તારોને કન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે. જેમાં જમાલપુર વિસ્તારની ભૂગેડીની પોળના 150 મકાનોમાં રહેતા 550 રહીશોને કન્ટેનમેન્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.

બીજી તરફ કોરોના સંક્રમણની સ્થિતિ કાબૂમાં આવતા શહેરના 22 વિસ્તારને કન્ટેનમેન્ટમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેરમાં હાલ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 369 પર પહોંચી ચૂકી છે. શહેરમાં વધતા જતા કોરોના સંક્રમણને પગલે લોકોની મુશ્કેલીમાં પણ વધારો થઇ રહ્યો છે, ત્યારે અમદાવાદ મનપા દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનવાળા વિસ્તારના લોકોને કામ સિવાય બહાર ન નીકળવા માટે અપીલ કરવામાં આવી છે.

(5:10 pm IST)