Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ગુજરાતમાં ભાજપ સરકારની પોલીસીના કારણે પૂરતો ઓક્‍સિજન મળતો નથી-મૃતકો માટે કોણ જવાબદાર ? કોંગ્રેસ પ્રવક્‍તા મનીષ દોશીના પ્રહારો

ગાંધીનગર: ગુજરાતમાં જીવલેણ કોરોના વાઈરસની બીજી લહેર કહેર મચાવી રહી છે. રાજ્યમાં પ્રતિદિન કોરોનાના નવા નોંધાતા કેસો અને મરણનો આંકડો પોતાના જૂના રેકોર્ડને તોડી રહ્યો છે. કોરોના મહામારીના આ કપરા સમયમાં રાજ્યમાં આરોગ્યની સ્થિતિ અને ઓક્સિજનની સમસ્યાને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ રૂપાણી સરકાર પર આકરા પ્રહાર કર્યાં હતા.

કોંગ્રેસ પ્રવક્તાએ ગુજરાત સરકાર પર આક્ષેપ કરતા જણાવ્યું કે, એક વર્ષ પહેલા જ DCGIના ડ્રગ કન્ટ્રોલલ ડૉ વીજી સોમાણીએ રાજ્ય સરકારને પત્ર લખ્યો હતો. પોતાના પત્રમાં તેમણે દરેક રાજ્યોને ઈન્ડસ્ટ્રીયલ ઑક્સિજનની જેમ જ દર્દીઓ માટે ઑક્સિજનની વ્યવસ્થા કરવા કહ્યું હતું. રાજ્ય સરકારને કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ઑક્સિજન પ્લાન્ટ માટે નવા લાઈસન્સની મંજૂરી આપવા જણાવ્યું હતુ.

DCGIએ ચેતવણી આપી હતી કે, જો આ મામલે કોઈ કાર્યવાહી નહીં થાય તો અનેક લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવશે. આમ છતાં કોઈ કાર્યવાહી ના થઈ, જેને પરિણામે અનેક લોકોના જીવ ગયા તો તેના માટે જવાબદાર કોણ?

આજે શહેરો કરતાં ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાની વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. આજે પણ રાજ્યમાં ઑક્સિજનના અભાવે લોકો મોતને ભેટી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 3 દિવસમાં 66 લોકોના મોત ઓક્સિજનના અભાવે થયા છે. આટલુ જ નહી, કોરોના સામેની જંગમાં અગત્યના મનાતા ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટનો ગ્રામ્ય વિસ્તારમાં સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. જેના પરિણામે લોકો મોટી સંખ્યામાં પોતાના જીવ ગુમાવી રહ્યાં છે.

2020ની પાર્લામેન્ટરીની સ્ટેન્ડિંગ કમિટીએ દેશની રાજ્ય સરકારોને ઑક્સિજન અંગે તાકીદ કરતા જણાવ્યું હતું કે, ઔદ્યોગિક એકમો સિવાય મેડિકલ ઑક્સિજનનો જથ્થો રિઝર્વ રાખવાનું કહેવામાં આવ્યું હતુ. ભાજપ સરકારની પોલિસી પેરાલિસિસના કારણે આજે ઑક્સિજન નથી મળી રહ્યાં.

108 એમ્બ્યુલન્સમાં 8 કલાકથી લઈને 48 કલાક સુધીના વેઈટિંગ ચાલે છે. કોરોના કાળમાં 900 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન તો કરવામાં આવ્યું, પરંતુ હજુ પણ તે હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવામાં નથી આવતા. આ હોસ્પિટલમાં દાખલ થવા આવતા દર્દીઓના એડમિટની પ્રક્રિયામાં સરળતા કરવાની જરૂરત છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં આવેલી સરકારી હોસ્પિટલોમાં એમ્બ્યુલન્સની લાઈનો લાગી રહી છે.

મનિષ દોશીએ માંગ કરી છે કે, સરકાર જાહેરાતોમાં નાણાં ખર્ચવાના બદલે એમ્બ્યુલન્સ સેવા વધારવા પાછળ પૈસા ખર્ચે, હોસ્પિટલના બેડ વધારવા પાછળ રૂપિયા રોકે, પોતાના મળતિયાઓને જે કાળા બજારીયાના લાઈસન્સ આપ્યા છે તેના પર રોક લગાવવી જોઈએ. જો ભાજપ સરકાર આમ કરશે, તો જ આવા કોરોનાના કપરા કાળમાં ગુજરાતની જનતાના જીવ બચશે.

ગુજરાતમાં ઔદ્યોગિક ગેસના એકમોના 10 જેટલા પ્લાન્ટ છતાં ઑક્સિજનની અછત વર્તાઈ રહી છે. રાજ્યમાં ઑક્સિજનના અભાવે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યાં છે. જે રાજ્ય સરકારની ગુનાહિત બેદરકારી ગણાય.

(5:11 pm IST)