Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

અમદાવાદમાં તું હોટ લાગે છે, બહુ મસ્‍ત લાગે છે તેમ કહીને છેડતી કરનાર યુવકને યુવતિએ ડર્યા વગર પીછો કરીને પોલીસને સોંપ્‍યો

અમદાવાદ: અમદાવાદમાં મહિલાઓની સુરક્ષાને લઇને ફરી વખત સવાલો ઉભા થઇ રહ્યા છે. થોડા દિવસ અગાઉ દાણીલીમડામાં બે સંતાનોની માતાને નશાની દવાઓ ખવડાવી ત્રણ હવસખોરોએ સામુહિક બળાત્કાર ગુજારી મહિલાની હત્યા નીપજાવી હતી તે ગુનાની શાહી સુકાય એ પહેલા શહેરના વાડજ વિસ્તારમાં 12 વર્ષની સગીરા પાડોશી યુવકના હવસનો ભોગ બની હતી.

ત્યારે હવે સોલા વિસ્તારમાં એક યુવતી છેડતીનો ભોગ બની છે. એક કારચાલકે જાહેર રોડ પર આ યુવતીને હોટ લાગે છે, બહુ મસ્ત લાગો છો કહીને છેડતી કરી હતી. જોકે યુવતી પણ ડરી ન હતી અને કાર ચાલકનો પીછો કરી તેને પકડી પોલીસ હવાલે કર્યો હતો.

શહેરના ગોતામાં રહેતી ૨૨ વર્ષીય યુવતી સાંજે તેની નાની બહેન સાથે સોસાયટી નજીક આવેલી એક દુકાન ઉપર દૂધ લઈને રોડ ઉપર ચાલતા ચાલતા ઘર તરફ આવતી હતી. તે દરમિયાન રોંગ સાઈડ રસ્તા ઉપર એક કાળા કલરની ગાડીમાં ડ્રાઈવર સીટ ઉપર બેઠેલો છોકરો આવ્યો હતો અને ગાડીનો કાચ ઉતારી આ યુવતીને ઈશારો કર્યો હતો.

આ યુવતીને કોઈ ઓળખીતું હશે તેવું લાગ્યું હતું અને જ્યારે ગાડી સામે જોયું ત્યારે ગાડીમાં બેઠેલો છોકરો તેનો કોઈ ઓળખીતો ન હતો. આ કારમાં સવાર શખશે ગાડીનો કાચ ઉતારી આ યુવતીને "તું બહુ હોટ લાગે છે" તેમ કહી હાથથી ઈશારો કર્યો હતો. ત્યાર બાદ તેણે "બહુ મસ્ત લાગો છો" તેમ કહ્યું  હતું.

જેથી આ યુવતીએ તેના ફોનમાં ગાડીની નંબર પ્લેટનો ફોટો પાડી લીધો હતો અને બાદમાં ગાડીની પાછળ પાછળ આ યુવતી તેની બહેન સાથે ગઈ હતી અને તે દરમિયાન તેણે તેના ભાઈને પણ ફોન કરીને બોલાવી લીધો હતો. ગોતા તરફ પહોંચતા છેડતી કરનારના શખસની ગાડી પડી હતી. પરંતુ ત્યાં કોઈ હાજર ન હતું. બાદમાં યુવતીની છેડતી કરી ઇશારા કરનાર છોકરો તે ગાડી પાસે આવતાં જ તેને પકડી પોલીસને જાણ કરતા આરોપી હિરેન પટેલની ધરપકડ કરી હતી.

એકતરફ શી ટીમની કામગીરીના પોલીસ તંત્રના દાવા અને બીજીતરફ આ જ ઘટનાઓ સાબિત કરે છે કે નવું નવું નવું દિવસ જ શી ટીમે કામ કર્યું અને બાદમાં મહિલાઓની સુરક્ષા પર મીંડું મૂકી દેવાતા મહિલાઓ શહેરમાં અસુરક્ષિત બની ગઈ છે.

(5:12 pm IST)