Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

વડોદરાની સયાજી હોસ્‍પિટલમાં કોરોનાગ્રસ્‍ત મહિલાનું મૃત્‍યુ થતા ફરજ ઉપરના કર્મચારીઓએ મૃતદેહ પેક કરવાની ના પાડી દીધી

વડોદરા: કારેલીબાગ વિસ્તારની 50 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોજિટિવ આવ્યો હતો ટૂંકી સારવાર બાદ મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. દરમિયાન ફરજ પર હાજર કર્મચારીઓએ મૃતદેહને પેક કરવાની સ્પષ્ટ ના કહી દેતા ભારે હોબાળો થયો હતો.

જ્યારે પણ કોરોના દર્દીનું મૃત્યુ થાય ત્યારે કોવિડ પ્રોટોકોલ મુજબ તે મૃતદેહ ને પીપીઈ કીટમાં પેક કરીને તેનો નિકાલ કરવામાં આવતો હોય છે. પરંતુ સયાજી હોસ્પિટલના કર્મચારીઓએ મૃતદેહને પેક કરવો તો દૂર હાથ લગાડવાની પણ ના કહી દેતા કલાકો સુધી મૃતદેહ રઝળી પડ્યો હતો. જેના કારણે મૃતકના સ્વજનોએ સયાજી હોસ્પિટલ ખાતે ભારે હોબાળો મચાવ્યો હતો.

હોસ્પિટલના કર્મચારીઓ એ હઠ પકડી છે કે તેઓ આજ પછી કોઈ પણ મૃતદેહ ને પેક કરવાની કામગીરી નહીં કરે જેના કારણે મૃતક ના સ્વજનોએ મૃતદેહ પેક કરવાની ફરજ પડી હતી અને કલાકો બાદ મૃતકની અંતિમ ક્રિયા શહેરના ખાસવાડી સ્મશાન ખાતે કરવામાં આવી હતી.

વર્ગ ચારના કર્મચારીએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે થોડા દિવસ અગાઉ એક મૃતકના સ્વજને મૃતદેહ પરથી દાગીના ચોરાઈ ગયા હોવાનો આક્ષેપ કરતા રાવપુરા પોલીસ દ્વારા નિર્દોષ કર્મચારીઓને માર મારવામાં આવ્યા હતા. જેના કારણે વર્ગ ચારના કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વર્ગ ચારના કર્મચારીઓ આજ પછી કોઈ પણ મૃતદેહને પીપીઈ કીટમાં પેક નહીં કરે તેવી હઠ પકડતા મૃતકના સ્વજનોએ જાતે મૃતદેહને પેક કરવાનો વારો આવ્યો છે. કેટલાક કિસ્સાઓમાં સ્વજનો પણ કોરોનાના ડરના કારણે મૃતદેહ લેવાનું ટાળી રહ્યા છે. કર્મચારીઓ તેમજ પોલીસ તંત્રની આ લડાઈમાં સયાજી હોસ્પિટલમાં અસંખ્ય મૃતદેહો રઝળી પડે તેવી સ્થિતિ નું નિર્માણ થાય તો તેના માટે જવાબદાર કોણ એ સૌથી મોટો સવાલ છે.

(5:13 pm IST)