Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

ગાંધીનગરમાં કોરોનાની બીજી લહેરમાં તબીબો પણ ઝપટેઃ સિવિલ હોસ્‍પિટલના તબીબો-સ્‍ટાફ સહિત 80 સંક્રમીત

ગાંધીનગર: રાજ્યમાં કોરોનાની બીજી લહેરે લોકોમાં મોટો ભય ફેલાવ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 14 હજારથી વધુ કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે ગાંધીનગર સિવિલમાં કાર્યરત 80 જેટલા લોકો સંક્રમિત થયા છે. જેમાં ડોક્ટર, રેસિડેન્ટ ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ કોરોના સંક્રમિત થયો છે.

ગુજરાતમાં કોવિડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ કોરોનાને રોકવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા સરકારી હોસ્પિટલોમાં બેડની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત કોરોના દર્દીઓની સારવારમાં ડોક્ટરો, નર્સ તેમજ હોસ્પિટલોનો તમામ સ્ટાફ ખડેપગ જોવા મળી રહ્યા છે. ગાંધીનગર સિવિલમાં કાર્યરત કુલ 80 જેટલા લોકો સંક્રમિત થયા છે. જેમાં 20 કરતા વધુ ડોક્ટર કોરોના સંક્રમિત થયા છે આ ઉપરાંત રેસિડેન્ટ ડોક્ટર, નર્સ સહિતનો સ્ટાફ પણ કોરોના સંક્રમિત થયો છે.

ઉલ્લખેનીય છે કે, ગુજરાતમાં આજે રેકોર્ડબ્રેક કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતાં કોઇ પણ પ્રકારે રાજ્યમાં કોરોના કાબુમાં નથી આવી રહ્યો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 14,296 નવા કોરોના કેસ નોંધાયા છે અને 157 લોકોના મોત થયા છે. તો બીજી તરફ માત્ર 6,727 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,74,699 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 75.54 ટકાએ પહોંચ્યો હતો.

એક્ટિવ કેસ 1 લાખને પાર

રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 1,15,006 એક્ટિવ દર્દી છે, જે પૈકી 406 લોકો વેન્ટિલેટર પર છે અને 1,14,600 લોકો સ્ટેબલ છે. 3,74,699 લોકોને ડિસ્ચાર્જ અપાઇ ચુક્યું છે. 6,328 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 27, સુરત કોર્પોરેશનમાં 26, રાજકોટ કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશનમાં 11, જામનગર કોર્પોરેશનમાં 8, ભાવનગર કોર્પોરેશનમાં 3, ગાંધીનગર કોર્પોરેશન 2 અને જૂનાગઢ કોર્પોરેશનમાં 2 દર્દીના મોત થયા છે.

(5:14 pm IST)