Gujarati News

Gujarati News

News of Monday, 26th April 2021

મહેસાણાના સદુથલા ગામ નજીક ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરતા કામદારનો પગાર ન ચૂકવી પરેશાન કરતા વિવાદ સર્જાયો

મહેસાણા: શહેરના સદુથલા ગામ નજીક આવેલ એક ઈંટના ભઠ્ઠામાં મજૂરી કરીને રોજીરોટી મેળવી રહેલા છત્તીસગઢના ચાર પરિવારોને પગાર ચુકવીને જબરદસ્તી અહીં રોકી રાખવાનો વિવાદ સર્જાયો હતો. મામલે ઈંટભઠ્ઠા યુનિયનના સેક્રેટરીએ મહેસાણાના કલેક્ટર અને પોલીસ અધિક્ષક સમક્ષ રજૂઆત કરતાં શ્રમવિભાગે તપાસ શરૃ કરી હતી.

જોકે ઘટનામાં રમેશ ચૌધરી નામના ત્રાહીત શખસે પોતાની ઓળખ ઉત્તર ગુજરાત લેબર એસોસીએશનના પ્રમુખ તરીકે આપીને ફોન ઉપર યુનિયનના સેક્રેટરી દિેનેશ પરમારને ધમકી આપવામાં આવી હતી. જેમાં કેસ મારે હેન્ડલ કરવાનો છે. વધારે બોલીશ તો તારા ટાંટીયા ભંગાવી નાખીશ તેવું જણાવ્યું હતું. નોંધપાત્ર છે કે સદુથલા નજીક આવેલા ઈંટભઠ્ઠામાં છત્તીસગઢના ચાર પરિવાર મજુરી કરે છે. તેઓની હિસાબની ડાયરીઓ ઈંટભઠ્ઠાના માલિક સુરેશ પ્રજાપતિએ પડાવી જબરજસ્તી ભઠ્ઠામાં રોકી રાખ્યા હોવાની જાણ થતાં યુનિયનના સેક્રેટરીએ સંબધિત તંત્ર સમક્ષ રજૂઆત કરતાં વિવાદ સર્જાયો હતો. જેમાં તેઓને ધમકી મળતાં તેમણે ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સુરેશ પ્રજાપતિ અને રમેશ ચૌધરી સામે ગુનો દાખલ કર્યો હતો.

(5:38 pm IST)