Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

ખેડા જિલ્લાના ગોબલેજ ગામમાં મોબાઇલ ગેમ રમવાને લઇને પિતરાઇ મોટા ભાઇએ નાના ભાઇને માથામાં પથ્‍થર મારી હસ્‍યા કરી લાશ કુવામાં ફેંકી દીધી

કિશોર બે દિવસથી ગુમ થતા પરિવારજનોએ પોલીસમાં ફરિયાદ કરતા શોધખોળના અંતે કુવામાંથી મૃતદેહ મળ્‍યો

ખેડાઃ ખેડા જિલ્લાના ગોબલેજ ગામમાં મોબાઇલ ગેમ રમવા બાબતે રકઝક થતા 17 વર્ષના પિતરાઇ ભાઇએ 11 વર્ષના નાના ભાઇને માથામાં પથ્‍થર મારી બેભાન થતા હાથ-પગ બાંધી ઘર નજીક આવેલા કુવામાં ફેંકી દીધો હતો. કિશોર બે દિવસથી ન મળતા પરિવારજનોએ પોલીસને ગુમ થયાની જાણ કરતા શોધખોળના અંતે કુવામાંથી મૃતદેહ મળી આવ્‍યો હતો. પોલીસે સગીર આરોપી સામે ગુન્‍હો નોંધી તપાસ હાથ ધરી છે.

મોબાઈલમાં યુગમાં નવી પેઢી લાગણીવિહીન બની રહી છે. મોબાઈલમાં ખોવાયેલા રહેતા બાળકોના માતાપિતા માટે વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ખેડામાં મોબાઈલ ગેમ રવાને લઈને ભાઈએ ભાઈની હત્યા કરી છે. એટલુ જ નહિ, 11 વર્ષના કિશોરની હત્યા કરીને સગીર ભાઈએ તેની લાશ કૂવામાં ફેંકી દીધી હતી.

ખેડા જિલ્લાના ગોબલેજ ગામની આ ઘટના છે. એક પરિવારે પોતાના 11 વર્ષના દીકરાના મીસિંગની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. કિશોર બે દિવસથી ગુમ હતો, અને ક્યાંય મળતો ન હતો. મૃતક બાળકની પરિવારજનોએ શોધખોળ કરતા ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ આપી હતી. ત્યારે ભારે શોધખોળ બાદ બે દિવસ બાદ પોલીસને એક કૂવામાંથી સગીર બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે પોલીસે વધુ તપાસ કરતા કિશોરની હત્યાનો ભેદ ખૂલ્યો હતો. પિતરાઈ મોટા ભાઈએ નાના ભાઈને માથાના ભાગે પથ્થર મારી મોતને ઘાટ ઉતાર્યો હતો.

તપાસ કરતા માલૂમ પડ્યુ કે, મોબાઈલમાં ગેમ રમવાના વારાને લઈ મનદુઃખ થતા 17 વર્ષીય મોટા ભાઈએ 11 વર્ષના નાના ભાઈની હત્યા કરી હતી. સગીર ભાઈએ નાના ભાઈને માથામાં પથ્થર માર્યો હતો. તેના બાદ બેભાન અવસ્થામાં હાથ પગ બાંધી ઘર નજીકમાં આવેલ કૂવામાં ફેંકી દીધો હતો.

ખેડા ટાઉન પોલીસે સગીર યુવક સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોકે, બાળકને મોબાઇલમાં ગેમ રમતા માટે મોબાઈલ આપતા માતાપિતા આ ચેતવણીરૂપ કિસ્સો છે. એકસાથે નોકરી કરતા માતાપિતા બાળકો પર ખાસ ધ્યાન આપી શક્તા નથી, જેને કારણે એકલા રહેતા સંતાનો સ્વભાવે જિદ્દી અને ઉગ્ર બની જાય છે. તેમાં પણ મોબાઈલને કારણે નવી જનરેશનનું બાળપણ છીનવાઈ રહ્યું છે.

(5:06 pm IST)