Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

મહેમદાવાદ તાલુકાના હલધરવાસમાં પ્રાથમિક શાળાની જર્જરિત દીવાલોથી બાળકોના જીવને જોખમ

 નડિયાદ : મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામમાં પ્રાથમિક કુમાર શાળા આવેલી છે. તેમાં ૪૦૦ વિદ્યાર્થીઓની સંખ્યા સામે માત્ર ૧૬ ઓરડા છે. જેમાંથી અડધા એટલે કે આઠ ઓરડા અત્યંત જર્જરીત હાલતમાં છે. તેના કારણે શાળામાં અબ્યાસ કરતા બાળકોના માથે જોખમ તોળાઇ રહ્યું હોવાની વાલીઓમાં દહેશત પ્રવર્તે છે. જેથી આવા જોખમી ઓરડા તોડી પાડી નવા ઓરડા બનાવવાની વાલીઓએ માગણી કરી છે.

મહેમદાવાદ તાલુકાના હલધરવાસ ગામમાં પે.સેન્ટર કુમાર શાળામાં ધો. ૧ થી ૮ સુધીના અભ્યાસની સુવિધા છે. જેમાં ધો.૧ થી ૮ના કુલ ૩૯૮ જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. જેમાં ધો. ૧ થી ૫ વચ્ચે ૮ શિક્ષકો જ્યારે ધોરણ ૬ થી ૮મા સાત શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. જર્જરિત ઓરડા ગમે ત્યારે કડડભૂસ થઇ જવાની સંભાવના રહેલી છે. આ જર્જરિત ઓરડા દૂર કરી નવા બનાવવા અવાર નવાર રજૂઆત કરવા છતાં નવા ઓરડા બનાવવાનુ કામ મંજૂર ન થતા વાલીઓમાં ઉગ્ર આક્રોશ વ્યાપેલો છે. સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવ પાછળ આડેધડ ખર્ચ કરવામાં આવે છે, ત્યારે હલધરવાસ પે સેન્ટર કુમાર શાળામાં જર્જરિત ઓરડા ના સ્થાને નવા ઓરડા બનાવવા ગ્રામજનોએ માગણી કરી છે.

(5:51 pm IST)