Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

વડોદરાના આજવારોડ વિસ્તારમાં અગાશી પર ઊંઘવા જવું પરિવારને ભારે પડ્યું:ઘરના દરવાજા તોડી તસ્કરો 2.71 લાખની મતા ચોરી છૂમંતર....

 વડોદરા:આજવારોડની નંદનવન સોસાયટી તથા ગણેશનગરના બે મકાનના દરવાજાના નકુચા કાપીને ચોર ટોળકી સોના ચાંદીના દાગીના અને રોકડા મળીને કુલ રૃપિયા ૨.૭૧ લાખની ચોરી કરી ગઇ હતી.બંને મકાનમાં એક જ રીતથી ચોરી થઇ હોઇ એક જ ટોળકી સામેલ હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આજવારોડ કિશનવાડી  પાસે નંદનવન સોસાયટીમાં રહેતા રણજીતસિંહ ભાથીભાઇ  પરમાર પરિવાર ચાર રસ્તા પાસે આવેલી એચ.ડી.એફ.સી.માં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે નોકરી કરે છે.ગઇકાલે રાતે પોણા બાર વાગ્યે તેઓ પરિવાર સાથે મકાનના ઉપરના માળે ઊંઘવા ગયા હતા.સવારે છ વાગ્યે તેઓ નીચે ઉતર્યા ત્યારે તેમના મકાનના મુખ્ય દરવાજાનો નકુચો કાપેલો હતો.ઘરમાં જઇને તપાસ કરી તો તિજોરી ખુલ્લી હતી.અને સામાન વેરવિખેર  હાલતમાં હતો.ચોર ટોળકી મકાનમાંથી સોનાના બે તોલા વજનના દાગીના, ચાંદીના દાગીના, કાંડા ઘડિયાળ તથા મોબાઇલ ફોન મળીને કુલ રૃપિયા ૮૬ હજારની મત્તા ચોરી ગઇ હતી.જે અંગે તેમણે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જ્યારે અન્ય એક બનાવમાં આજવારોડ નવજીવન પાસે ગણેશ નગરમાં રહેતા સુનિતાબેન કહાર તેમના પરિવાર સાથે મકાનની અગાશી પર ઊંઘી ગયા હતા.તે દરમિયાન ચોર ટોળકી તેમના મકાનના દરવાજાનો નકુચો કાપીને તિજોરીમાં મુકેલા સોનાના દાગીના તેમજ રોકડા ૩૦ હજાર મળીને કુલ રૃપિયા ૧.૮૫ લાખની મત્તા ચોરી ગઇ હતી.સવારે સાડા છ વાગ્યે પાણી આવતું હોઇ સુનિતાબેન પાણી ભરવા માટે નીચે ઉતર્યા ત્યારે ચોરીની જાણ થઇ હતી.બાપોદ  પોલીસે સુનિતાબેનની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે.

(5:54 pm IST)