Gujarati News

Gujarati News

News of Thursday, 26th May 2022

AGL કંપનીમાં આવકવેરા વિભાગના મેગા સર્ચ ઓપરેશનમાં 10 કરોડ રોકડા અને 12 લોકરો મળ્યા

તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવે તેવી આશંકા

અમદાવાદમાં  શાંતિગ્રામ ખાતેના AGL કંપનીના માલિકના રહેઠાણ સહિત 30 જગ્યાઓ પર IT વિભાગે સર્ચ હાથ ધર્યુ છે. આ ઉપરાંત ફાઈનાન્સર સંકેત શાહ, રુચિત શાહ, દીપક શાહ અને સેજલ શાહને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ છે.. અત્યાર સુધીના સર્ચમાં IT વિભાગને કુલ 10 કરોડ રૂપિયા રોકડા તેમજ 12 લોકરો મળી આવ્યા છે. આ ઉપરાંત રોકડના બદલે ફાઇનાન્સરો પાસેથી બેન્કમાં કરાવેલી નાણાની એન્ટ્રી મળી આવી છે.આ તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં બિનહિસાબી વ્યવહારો મળી આવે તેવી આશંકા છે. અમદાવાદ ઉપરાંત મોરબી, હિંમતનગર, સુરત ઓફિસ પર પણ તપાસ ચાલુ છે.

એશિયન સિરામીક્સ ગ્રુપ અને ખાનગી ફાયનાન્સ પેઢીમાં ઈન્કમટેક્સ ના વહેલી સવારથી દરોડા પડ્યા છે. હિંમતનગરમાં ગ્રુપના ડીરેક્ટરોના બંગ્લોઝ, ઓફીસો, ફેક્ટરીઓ અને શોરુમમાં વહેલી સવાર થી સર્ચ ઓપરેશન શરુ કરવામાં આવ્યુ છે. ખાનગી ફાયનાન્સ સિમંધર નામની પેઢી અમદાવાદ, મહેસાણા અને હિંમતનગરમાં ઓફીસો ધરાવે છે. જે પેઢી અને તેમના સંચાલકોને ત્યાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

ખાસ કરીને એશિયન ગ્રુપમાં મોટા પાયે દરોડાની કાર્યવાહી હાથ ધરાઈ છે. એશિયન ગ્રુપના ડીરેક્ટરોના બંગ્લોઝ ખાતે પણ મોટા પ્રમાણમાં અધિકારીઓ વહેલી સવારે આવી પહોંચ્યા હતા. આ સાથે જ પ્રાંતિજ નજીક આવેલ દલપુર અને કાટવાડ સિરામીક્સ ઝોનની ફેક્ટરીઓમાં પણ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સિરામીક્સ જોન અને શહેરના ખાનગી ફાયનાન્સ પેઢીઓમાં આઇટીની કાર્યવાહી (IT Search) ના સમાચાર જાણીને ફફડાટ વ્યાપી ગયો હતો

(12:48 am IST)