Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

૭૫ થી ૯૦ ટકા પરમીટ ધારકો દારૂ રોકડેથી ખરીદી રહ્યા છે

મોટાભાગના ગ્રાહકો ૨૦૦૦ની નોટ વટાવી રહ્યા છે રીઝર્વ બેંકની જાહેરાત પછી ઓનલાઇન પેમેન્‍ટમાં ઘટાડો

અમદાવાદ તા. ૨૬ : અમદાવાદમાં હાલમાં કેશ ટ્રાન્‍ઝેકશનમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. શહેરની દારૂની દુકાનો અચાનક રોકડ વહેવારમાં મોટો ઉછાળો જોઇ રહી છે. સપ્‍ટેમ્‍બર મહિના પછી ૨૦૦૦ની નોટ ચલણમાંથી દૂર થવાની રીઝર્વ બેંકની જાહેરાત પછી આ ચલણ વધી ગયું છે.

દારૂની પરમીટ ધરાવનારા લગભગ ૭૫ થી ૯૦ ટકા લોકો પોતાનો દારૂ ખરીદવા રોકડનો વિકલ્‍પ પસંદ કરી રહ્યા છે. ખાસ કરીને ૨૦૦૦ રૂપિયાની નોટ દ્વારા મહામારી પહેલા ઓનલાઇન અથવા કાર્ડ પેમેન્‍ટને પ્રાથમિકતા આપવાનું ચલણ શરૂ થયું હતું. પણ છેલ્લા અઠવાડીયાથી આર્યજનક રીતે પેમેન્‍ટ ટ્રેન્‍ડ બદલાઇ ગયો છે.

હોટેલવાળાઓનું કહેવું છે કે ગ્રાહકો તેમની પાસેની ૨૦૦૦ની નોટથી છૂટકારો મેળવવા આતુર છે અને એટલે રોજીંદા ખર્ચ માટે ૨૦૦૦ની નોટો વાપરી રહ્યા છે. પરિણામે ઉંચા ભાવનો દારૂ ખરીદવામાં આ નોટો વાપરવાનો વિકલ્‍પ આકર્ષક બની રહ્યો છે.

ટી જીબી બેન્‍કવેર એન્‍ડ હોટેલ્‍સ લીમીટેડના ચેરમેન નરેન્‍દ્ર સોમાણીએ કહ્યું, ‘છેલ્લા એક અઠવાડિયાથી અમે જોઇ રહ્યા છીએ કે અમારા લીકર સ્‍ટોર પરથી દારૂ ખરીદનારા ૭૫ ટકા લોકો રોકડમાં પૈસા ચૂકવી રહ્યા છે અને તે પણ ૨૦૦૦ની નોટ દ્વારા પહેલા મોટાભાગના લોકો ફકત ઓનલાઇન પેમેન્‍ટ કરવાનું પસંદ કરતા હતા.' આ વલણ માત્ર અમદાવાદ પુરતુ મર્યાદિત નથી. પાડોશી શહેર ગાંધીનગરમાં પણ આવી જ સ્‍થિતી છે. ગાંધીનગરની એક ફોર સ્‍ટાર હોટલના જનરલ મેનેજર નરેન્‍દ્રસિંઘ રાઠોડે કહ્યું, રીઝર્વ બેંકની જાહેરાત પછી ૯૦ ટકા દારૂની પરમીટ ધરાવતા ગ્રાહકો દારૂની ખરીદી ૨૦૦૦ની નોટ દ્વારા જ કરી રહ્યા છે. પહેલા તો લગભગ બધા ગ્રાહકો ડેબીટ અથવા ક્રેડીટ કાર્ડ દ્વારા જ પેમેન્‍ટ કરવાનું પસંદ કરતા હતા

 

 

(3:39 pm IST)