Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

દરેક અધિકારીઓ આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લ્‍યે : સાધનો અને દવાની ચકાસણી નિયમિત કરો : કુપોષિત બાબતોમાં પોષણસ્‍તર વધારો

હૃદયરોગની સારવાર માટે દર્દીઓને તાકિદે સારવાર પૂરી પાડવા ધારાસભ્‍યોની માંગણી : રાઘવજીભાઇના અધ્‍યક્ષસ્‍થાને ડિસ્‍ટ્રીકટ હેલ્‍થ મિશન બેઠક મળી : જિલ્લાની આરોગ્‍ય સ્‍થિતિની સમીક્ષા

રાજકોટ તા. ૨૬ : રાજયના કૃષિ અને પશુપાલન મંત્રીશ્રી તથા  રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની અધ્‍યક્ષતામાં જિલ્લા આરોગ્‍ય મિશનની બેઠક યોજાઇ હતી.

‘નેશનલ હેલ્‍થ મિશન' અંતર્ગત ‘ડિસ્‍ટ્રિક્‍ટ હેલ્‍થ મિશન' અંગે કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી રાઘવજીભાઈએ આરોગ્‍ય અંગેના રાજય સરકારના લક્ષ્યાંકો માટે નિયત સમય મર્યાદા નક્કી કરવા ઉપસ્‍થિતોને અનુરોધ કર્યો હતો, જેથી આરોગ્‍યલક્ષી સમગ્ર પરિસ્‍થિતિનું યોગ્‍ય વિશ્‍લેષણ કરી શકાય. આ બેઠકમાં કુપોષિત બાળકો, પાંડુ રોગથી પીડિત મહિલાઓ, અપમૃત્‍યુના કિસ્‍સાઓ, કુટુંબ કલ્‍યાણ, જન્‍મદર, માતા મૃત્‍યુદર, સંચારી રોગો, જનની સુરક્ષા યોજના, દવાખાનામાં પ્રસુતિ વગેરે અંગે વિષદ છણાવટ કરવામાં આવી હતી.

આ બેઠકમાં મંત્રીશ્રીએ આરોગ્‍ય કેન્‍દ્રો અને નીતિ આયોગના ઈન્‍ડિકેટરની કામગીરી, આરોગ્‍ય યોજનાઓ, આરોગ્‍ય સંસ્‍થાના મકાન, સુવિધાઓ અને મહેકમ સહિતના મુદ્દાઓ બાબતે સમીક્ષા કરી હતી. મંત્રીશ્રીએ અધિકારીઓને આરોગ્‍ય કેન્‍દ્રોની મુલાકાત લઈ સાધનો અને દવાની ચકાસણી નિયમિતપણે કરવા તેમજ પ્રગતિ હેઠળના વિકાસ કામો ગુણવત્તાપૂર્વક અને ઝડપથી પૂર્ણ કરવા સૂચનો આપ્‍યા હતા. મંત્રીશ્રીએ કુપોષિત બાળકોમાં પોષણસ્‍તર વધારી કુપોષણ નાબૂદ કરવા પર ભાર મૂક્‍યો હતો. કલેકટરશ્રી  પ્રભવ જોશીએ પોષણસ્‍તર વધારવા અંગે એક્‍શન પ્‍લાન રજૂ કર્યો હતો. અને આરોગ્‍ય કર્મચારીઓને યોગ્‍ય કાઉન્‍સેલિંગ કરવા પર ભાર મૂક્‍યો હતો.

ચોમાસાની ઋતુ પૂર્વે આરોગ્‍ય અંગેની યોગ્‍ય તકેદારીઓ રાખવા, નિયમિત સમયે રોગી કલ્‍યાણ સમિતિની બેઠકો યોજવા, નવા આરોગ્‍ય કેન્‍દ્ર શરૂ કરવા વગેરે અંગે આ બેઠકમાં સવિસ્‍તાર ચર્ચા કરવામાં આવી હતી. હૃદયરોગની સારવાર માટે પ્રધાનમંત્રી જન આરોગ્‍ય યોજના અંતર્ગત નિયત હોસ્‍પિટલમાં દાખલ કરાયેલા દર્દીઓને તાત્‍કાલિક સારવાર પૂરી પાડવા અંગે ધારાસભ્‍યોએ આ બેઠકમાં રજૂઆત કરી હતી, જે અંગે યોગ્‍ય કરવા કલેક્‍ટરશ્રીએ ખાતરી આપી હતી.

નિવાસી અધિક કલેકટરશ્રી એસ. જે. ખાચરે આજની બેઠકની રૂપરેખા રજૂ કર્યા બાદ કલેક્‍ટરશ્રી પ્રભવ જોશી તથા અન્‍ય અધિકારીઓએ મંત્રીશ્રીને પુષ્‍પગુચ્‍છથી આવકાર્યા હતા. મુખ્‍ય જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. એન.એમ. રાઠોડે રાજકોટ જિલ્લાની આરોગ્‍ય વિષયક પરિસ્‍થિતિથી મંત્રીશ્રી રાઘવજીભાઈને માહિતગાર કર્યા હતા. જિલ્લા આર.સી.એચ. ( રીપ્રોડક્‍ટિવ ચાઈલ્‍ડ હેલ્‍થ) અધિકારી ડો. એમ.એસ.અલીએ નીતિ આયોગના ઇન્‍ડિકેટરની કામગીરી પાવર પોઇન્‍ટ પ્રેઝન્‍ટેશનના માધ્‍યમથી રજૂઆત કરી હતી.

આ બેઠકમાં સાંસદશ્રી મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યો સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, ડો. દર્શિતાબેન શાહ, ડો. મહેન્‍દ્રભાઈ પાડલીયા, રમેશભાઇ ટીલાળા જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભૂપતભાઈ બોદર, પ્રાદેશિક નગરપાલિકા કમિશનરશ્રી ધીમંતભાઈ વ્‍યાસ, પંડિત દિન દયાલ ઉપાધ્‍યાય હોસ્‍પિટલના તબીબી અધિક્ષક ડો.આર.એસ.ત્રિવેદી, આઇ.સી.ડી.એસ. પ્રોગ્રામ ઓફિસરશ્રી સાવિત્રીબેન નાથજી, રાજકોટ જિલ્લાના વિવિધ તાલુકાઓના ચીફ ઓફિસર્સ, બ્‍લોક હેલ્‍થ ઓફિસર્સ તથા આરોગ્‍ય સહિતના સંબંધિત સરકારી વિભાગો અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યાં હતાં.

(3:43 pm IST)