Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ધો. ૧૦ના ઓછા પરિણામથી ડિપ્લોમા ઇજનેરીમાં ૩૦ હજારથી વધારે બેઠક ખાલી પડે તેવી સ્થિતિ

ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ ઇચ્છનારાઓ માટે ડિપ્લોમા વિકલ્પ, સમિતિએ અવરનેસ પ્રોગ્રામો શરૂ કર્યા : ડિપ્લોમા પ્રવેશ સમિતિ પાસે હાલમાં ૬૮ હજાર બેઠક ઉપલબ્ધ, ૫૦૦ બેઠક વધે તેવી : શકયતા : GTUની જીપેરીમાં ડિપ્લોમા કોલેજ શરૂ કરવાની તૈયારી, કુલ બેઠકો વધારો થશે

અમદાવાદ તા. ૨૬ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરાયેલા ધો.૧૦ના પરિણામમાં એ-૧ ગ્રેડમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. ડિપ્લોમા ઇજનેરીમાં હાલમાં ૬૮ હજાર બેઠકો ઉપલબ્ધ છે. આગામી દિવસોમાં જીપેરી સહિત નવી ડિપ્લોમા ઇજનેરી કોલેજોને મંજૂરી આપવામા આવે તો ૫૦૦થી વધારે બેઠકોનો વધારો થાય તેમ છે. આ સ્થિતિમાં ગત વર્ષ જેટલી અંદાજે ૩૦ હજાર બેઠકો ખાલી રહે તેવી શકયતા છે.

ધો.૧૦નું પરિણામ આવ્યા પહેલા જ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ડિગ્રી ઇજનેરીમાં હાલમાં ૬૮ હજાર બેઠકો ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે GTU સાથે જોડાયેલી જીપેરીમાં પણ ડિપ્લોમા ઇજનેરી કોલેજ શરૂ થાય તેવી શકયતા છે. જેના કારણે અંદાજે ૩૦૦ બેઠકોનો વધારો થશે. આ જ રીતે અન્ય કોલેજ કે બ્રાન્ચમાં બેઠકો વધતાં કુલ ૫૦૦ બેઠકોનો વધારો થતાં ૬૮૫૦૦ બેઠકો ઉપલબ્ધ થાય તેમ છે. ગત વર્ષે ડિપ્લોમા ઇજનેરીમાં અંદાજે ૩૦ હજાર બેઠકો ખાલી પડી હતી. ડિપ્લોમા પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે, ચાલુ વર્ષે પણ ૩૦થી ૩૨ હજાર બેઠકો ખાલી પડે તેમ છે. કારણ કે, રેન્કિંગ ધરાવતા વિદ્યાર્થીઓને ધો.૧૧-૧૨ કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવતું હોય છે.

આ વર્ષે રેન્કિંગમાં પણ ગત વર્ષ કરતાં ઘટાડો નોંધાયો છે. સી-૧, સી-૨ અને ડીમાં પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી વધુ છે. સામાન્ય રીતે એવરેજ વિદ્યાર્થીઓ ધો.૧૦ પછી ડિપ્લોમા ઇજનેરી કરે તે હિતાવહ હોવા છતાં જાગૃતિના અભાવના કારણે વિદ્યાર્થીઓ ધો.૧૧-૧૨માં પ્રવેશ મેળવી લેતાં હોય છે. ડિપ્લોમા ઇજનેરી પૂર્ણ કર્યા બાદ વિદ્યાર્થીઓને ડિગ્રીમાં પ્રવેશ માટે બ્રાન્ચ બદલવાની મંજૂરી પણ આપી દેવામાં આવી છે.

આ સ્થિતિમાં વિદ્યાર્થીઓ હવે એક બ્રાન્ચમાં ડિપ્લોમા કર્યા બાદ અન્ય બ્રાન્ચમાં ડિગ્રી ઇજનેરી પણ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એક, બે કે ત્રણ માર્કશીટ ધરાવતાં વિદ્યાર્થીઓ પણ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ માટે લાયક ગણવામાં આવે છે. આમ, પૂરક પરીક્ષામાં પાસ થયેલા વિદ્યાર્થીઓને પણ ડિપ્લોમા ઇજનેરીમાં પ્રવેશ આપવામાં આવતો હોવાથી વધુ બેઠકો ભરાઇ તેવી શકયતા છે. ડિપ્લોમા ઇજનેરીમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે માટે સમિતિ દ્વારા છેલ્લા કેટલાય સમયથી માર્ગદર્શન કાર્યક્રમ સહિતના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આમ છતાં ગત વર્ષે જેટલી જ ૪૦ ટકા બેઠકો ખાલી રહે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

(4:05 pm IST)