Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

વડોદરાના લાલબાગ ઓવરબ્રિજ નીચે પાણીની ફીડર લાઈનમાં લીકેજ થતા હજારો લીટર પાણીનો જથ્થો વેડફાયો

વડોદરા: શહેરમાં લાલબાગ ઓવરબ્રિજ નીચે પાણીની લાલબાગ ટાંકીની 24 ઇંચ ડાયામીટરની ફીડર લાઇનમાં ભંગાણ થતાં પાણીની રેલમછેલ થઈ હતી અને ભર ઉનાળામાં ચોમાસા જેવા દ્રશ્ય જોવા મળ્યા હતા. આ અંગેની જાણ થતા વોર્ડ નંબર 17 ના કોર્પોરેટર અને ડ્રેનેજ સુએજ સમિતિના અધ્યક્ષ ત્યાં સ્થળ પર પહોંચ્યા હતા અને પાણીની રેલમછેલ જોઈ ચોકી ઉઠ્યા હતા. તંત્રના અધિકારીઓને તાત્કાલિક જાણ કરવામાં આવતા ખોદકામ શરૂ કરાવી રીપેરીંગનું કાર્ય હાથ ધરવામાં આવ્યું હતું. તેમના કહેવા મુજબ લાલબાગ પાણીની ટાંકી ની 24 ઇંચ ની ફીડર લાઈન જે વર્ષોથી એક્સ્ટ્રા નાખવામાં આવેલી હતી અને પાણીની કોઈ તકલીફ ઊભી થાય તો એક લાઈનનું પાણી બીજામાં ડાઈવર્ટ કરવા વ્યવસ્થા હેતુસર આ લાઈન નાખવામાં આવી હતી. જેમાં કોઈ કનેક્શન આપેલા ન હતા. આજે સવારે અચાનક લાઇનમાં સાંધો છૂટો પડી જવાથી લીકેજ થતાં પાણી ધોધ વછૂટતા રોડ પર હજારો લિટર પાણી વહી ગયું હતું. આ લાઈન વર્ષો જૂની હોવાથી લીકેજ ના કોઈ પ્રશ્ન ઊભા ન થાય તેને ધ્યાનમાં રાખીને નવી ત્રીજી એક્સ્ટ્રા લાઈન નાખવામાં આવશે. અત્રે એ ઉલ્લેખનીય છે કે હાલ ઉનાળાના દિવસો દરમિયાન શહેરમાં પાણીની લાઈનના લીકેજના બનાવો ખૂબ વધી ગયા છે જેના કારણે લીકેજ થી હજારો લિટર પાણીનો બગાડ થાય છે. બીજી બાજુ કોર્પોરેશન એ તાજેતરમાં જાહેર સૂચના જારી કરીને પાણીનો બગાડ ન થાય તે માટે પર કસરયુક્ત ઉપયોગ કરવા કહ્યું છે. પાણીની લાઈનમાં લીકેજ હોય તો તાત્કાલિક જે તે વોર્ડની કચેરીએ અથવા કોર્પોરેશને જારી કરેલા ટોલ ફ્રી નંબર પર જાણ કરવા અનુરોધ કર્યો છે. રીપેરીંગ કામ બપોર સુધીમાં પૂર્ણ થઈ ગયું હતું.

(6:47 pm IST)