Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ખેડાના વેપારીને અલગ અલગ યુ ટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરાવવાના બહાને 1.52 લાખ તફડાવનાર વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ દાખલ

નડિયાદ: ખેડાના વેપારીને અલગ અલગ યુ ટયુબ ચેનલ સસ્ક્રાઇબ કરવાથી રૂપિયા મળશે તેમ કહીને વેપારી પાસેથી રૂપિયા ૧,૫૨,૬૮૦ જમા કરાવી ઓનલાઇન ફ્રોડ કરી પડાવી લીધા હતા. આ બનાવ અંગે ખેડા શહેર પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ખેડા શહેરામાં મોમીનવાડા યાસીનભાઈ સીરાજભાઈ વ્હોરા (ઉ.વ.૩૨) પરિવાર સાથે રહે છે. તેઓ ખેડા બજાર માં કાપડની દુકાન ધરાવે છે.  તા.૦૪/૦૪/૨૦૨૩ના રોજ તેમના મોબાઇલ પર અજાણ્યા નંબર પરથી તેમના નામે એક મેસેજ આવેલો હતો. જેનો બીજા દિવસે યાસીનભાઈએ વોટ્સએપ મારફતે જવાબ આપ્યો હતો. આથી સામેવાળી વ્યક્તિએ વોટ્સએપ મારફતે જણાવ્યું હતું કે, હું ચાર્વી એચ.આર. ડીપાર્ટમેન્ટ ઓફ વાઈટ રીવર્સ મીડીયા એજન્સી મુંબઈથી બોલું છું તેમ કહી ટેલીગ્રામ ઉપર યુટયુબ ચેનલોની લીંક મોકલી આ લીંક જો સસ્ક્રાઇબ કરો તો તમને રૂ. ૫૦ મળશે તેવી વાત કરી હતી. જેથી યાસીનભાઈએ એક બે વાર કહ્યા મુજબ યુટયુબ ચેનલો સસ્ક્રાઇબ કરતાં ખરેખર નાણાં મળ્યા હતા. જેથી યાસીનભાઈને તે વ્યક્તિ પર વિશ્વાસ આવતા અલગ અલગ યુટયુબ ચેનલો સસ્ક્રાઇબ કરાવી રૂપિયા ખંખેરવાનો પેતરો શરૂ કર્યો હતો. શરૂઆતમાં નાની નાની રકમમાં ૫૦૦, ૧૦૦૦ રૂપિયાનો ઉમેરો કરી પરત મોકલી આપતો પરંતુ આ બાદ મોટી મોટી રકમો લેવાનુ શરૂ કર્યું હતું. યાસીનભાઈએ અલગ અલગ ટ્રાજેક્શન થી રૂ. ૧,૫૨,૬૮૦ ટ્રાન્સફર કરી દીધા હતા અને જે નાણાં પરત ન આપતા યાસીનભાઈ વ્હોરાને પોતાની સાથે છેતરપિંડી થઇ હોય તેવું જણાઈ આવતા ખેડા શહેર પોલીસમાં અજાણ્યા મોબાઈલ ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.

(6:53 pm IST)