Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

આણંદ:વાસદ પોલીસે ટોલનાકા નજીકથી વોચ ગોઠવી સિમેન્ટના બ્લોકની આડમાં લઇ જવાતો દારૂનો જથ્થો ઝડપી પાડયો

આણંદ: આણંદ જિલ્લાની વાસદ પોલીસે ગતરોજ વાસદ ટોલનાકા નજીક ગુપ્ત વોચ ગોઠવીને એક ટ્રકમાં વેસ્ટેજ સીમેન્ટના બ્લોકની આડમાં છુપાવીને મહારાષ્ટ્રથી કચ્છ-ભૂજ લઈ જવાતો રૂા.૩૨.૦૫ લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. પોલીસે બે શખ્સોની અટકાયત કરી પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી વિદેશી દારૂના વેપલામાં સંડોવાયેલા અન્ય શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

વાસદ ટોલનાકા નજીકથી એક ટ્રકમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો ભરી કચ્છ-ભૂજ તરફ લઈ જવાતો હોવાની માહિતી વાસદ પોલીસને મળી હતી. જેના આધારે વાસદ પોલીસની ટીમે  વાસદ ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીદારના વર્ણન મુજબની ટ્રક આવી ચઢતા પોલીસે તેને અટકાવી હતી અને તપાસ કરતા પાછળના ભાગે વેસ્ટેજ સીમેન્ટના બ્લોક ભર્યા હોવાનું પ્રાથમિક રીતે જણાયું હતું. જો કે પોલીસે બ્લોક હટાવીને જોતા અંદરથી વિદેશી દારૂ તથા બિયરની પેટીઓ મળી આવી હતી. જે અંગે ચાલક તથા ક્લીનરની પાસે લાયસન્સની માંગણી કરતા તેઓ પાસે નહીં હોવાનું જણાવ્યું હતું. જેથી વાસદ પોલીસ મથકે ટ્રક લાવ્યા બાદ ગણતરી કરતા કુલ ૧૫૨૨૮ નંગ બોટલ અને બિયરના ૩૧૨૦ ટીન થયા હતા. જેની અંદાજિત કિંમત રૂા.૩૨,૦૫,૨૦૦ જેટલી થવા જાય છે.પોલીસે ઝડપાયેલા બંને શખ્શોના નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે અજય શંકરરામચંદ્ર સણસ અને કૃષ્ણદેવ નારાયણલક્ષ્મણ મહાંગડે (બંને રહે.સાતારા, મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે વિદેશી દારૂનો જથ્થો તેમજ ટ્રક મળી કુલ્લે રૂા.૬૭,૧૫,૨૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા બંને શખ્શોની વધુ પુછપરછ કરતા આ વિદેશી દારૂનો જથ્થો મહારાષ્ટ્રના તલોજા ખાતેથી અબ્દુલ નામના શખ્શે ભરાવી આપ્યો હોવાનું અને કચ્છ-ભૂજ લઈ જવાનો હોવાની કબુલાત કરી હતી.

(6:53 pm IST)