Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

ગાંધીનગર જિલ્લાના હાઇવે નજીક ટ્રક પાછળ ટેમ્પો ઘુસી જતા સર્જાયેલ અકસ્માતમાં ચાલકનું ગંભીર ઇજાથી મોત

ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના હાઇવે માર્ગો ઉપર અકસ્માતની ઘટના વધી રહી છે ત્યારે ચિલોડા નરોડા હાઇવે ઉપર લવારપુર પાસે આગળ જતી ટ્રકની પાછળ કેરી ભરેલો ટેમ્પો ઘૂસી જતા ગંભીર રીતે ઘાયલ ચાલકનું મોત થયું હતું જ્યારે તેમાં સવાર ક્લીનરને ઇજાઓ પહોંચી હતી. આ મામલે ડભોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી છે.

આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે પ્રાંતિજમાં રહેતા લાલાજી કચરાજી મકવાણા ટેમ્પો ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે ત્યારે તેઓ ટેમ્પો લઈને નવસારી ખાતે ગયા હતા અને ત્યાંથી કેરીઓ ભરીને પરત પ્રાંતિજ જઈ રહ્યા હતા તે દરમિયાન ગઈકાલે મોડી રાત્રે ચિલોડા નરોડા હાઇવે ઉપર તેઓ ટેમ્પો લઈને પસાર થઈ રહ્યા હતા તે સમયે લવારપુર ઓવરબ્રિજ ચડતા સમયે આગળ જતા ટ્રકની પાછળ ટેમ્પો ઘૂસી ગયો હતો. જેના કારણે લાલાજી અને ક્લીનરને ગંભીર જાઓ પહોંચી હતી. આકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરતા ઘાયલોને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન લાલાજીનું મોત થયું હતું. આ અકસ્માતને પગલે ટેમ્પોના માલિકને જાણ કરવામાં આવતા તેઓ પણ ગાંધીનગર પહોંચ્યા હતા અને તેમની ફરિયાદના આધારે ડભોડા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરી હતી. નોંધવું રહેશે કે ચિલોડા હિંમતનગર હાઇવે ઉપર ગતિ મર્યાદા નું ઉલ્લંઘન કરતા વાહનો અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે.

(6:53 pm IST)