Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

તિસ્તા અને શ્રીકુમાર તપાસમાં નથી આપી રહ્યા સહકાર:14 દિવસની રિમાન્ડ મંગાશે : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ

તેમને મેજીસ્ટેટ સામે રજૂ કરવામાં આવશે. જેથી તેમને જે કોઈપણ ફરિયાદ હોય તે તેમની સામે કરી શકે

અમદાવાદ : ગુજરાત રમખાણોના કેસમાં ગુજરાત એટીએસ દ્વારા સામાજિક કાર્યકર્તા તિસ્તા સેલવાડની ધરપકડ કરવામાં આવી છે. તિસ્તા પર નરેન્દ્ર મોદી સહિત 62 અન્ય અધિકારીઓને બદનામ કરવા તેમજ અરજકર્તા ઝાકિયા જાફરીની ભાવનાઓનો પોતાના સ્વાર્થ માટે ઉપયોગ કરાયો હોવાના આક્ષેપ છે. જેથી આજે વહેલી સવારે તિસ્તા સેલવાડને અમદાવાદ ક્રાઈમબ્રાંચ લાવવામાં આવી હતી.તિસ્તા અનેક વાર વિવાદોમાં આવી ચૂકી છે.ત્યારે આ કેસમાં આર.બી.શ્રીકુમારની પણ પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર,ગુજરાત રમખાણ કેસ 2002ના મામલે સુપ્રીમ કોર્ટે ઝકિયા જાફરીની અરજીને ફગાવી દેતા SITએ નરેન્દ્ર મોદી સહિત 64 લોકોને આપેલી ક્લિન ચીટ યથાવત્ રાખી છે. સુપ્રીમ કોર્ટે ઝાકિયા જાફરી તેમજ અન્યોની આ મુદ્દે સખત શબ્દોમાં ઝાટકણી કરી છે. કોર્ટે કહ્યું હતું કે,આ પ્રોસેસનો દૂરઉપયોગ કરનારા તમામ લોકોને કોર્ટના કઠેડામાં આરોપી તરીકે ઉભા રાખી દેવા જોઈએ. જેથી ગુજરાત પોલીસ દ્વારા તિસ્તા સેતલવાડ પર નવી ફરિયાદ દાખલ કરી હતી. જેને આધારે તિસ્તા સામે ગુજરાત ATSએ પગલાં ભર્યા હતા. ગુજરાત એટીએસ ગઈકાલે સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડના ઘરે પહોંચી હતી. ગુજરાત ATSની બે ટીમો મુંબઈ પહોંચી હતી. એક ટીમ સાંતા ક્રુઝ પોલીસ સ્ટેશન ગઈ હતી અને બીજી ટીમ મુંબઈ પોલીસ સાથે જુહુમાં તિસ્તા સેતલવાડના ઘરે ગઈ હતી. ત્યારબાદ મુંબઈથી તિસ્તાની ધરપકડ કરવામાં આવી હતી. આજે વહેલી સવારે તિસ્તાને ગુજરાત ATS દ્વારા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપાઈ છે.

મહત્વનું છે કે, તિસ્તા સેતલવાડને ક્રાઈમ બ્રાંચની વીએસ હોસ્પિટલ મેડિકલ રિપોર્ટ માટે લાવવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. આ તકે તેઓ મીડિયા સામે આવ્યા હતા.તેમણે મીડિયાસામે આવતા કહ્યું કે. મારે 2 લાઈન જ કહેવી છે,પરંતુ તેમને પોલીસ દ્વારા રોકવામાં આવ્યા હતા. આ ઉપરાંત, તિસ્તાએ તેમનો હાથ બતાવ્યો હતો. જેમાં વાગેલાનું નિશાન હતું. તે બતાવીને કહ્યું કે, આ ATSએ કર્યું છે.

આ સાથે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ આઈપીએસ અધિકારી આરબી શ્રીકુમારની ધરપકડ પણ કરી છે. નોંધનીય છે કે, આર.બી.શ્રીકુમાર અને સંજીવ ભટ્ટ દ્વારા તત્કાલીન મુખ્યપ્રધાન સામે એક એવો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, તારીખ 27 ફેબ્રુઆરી 2002ના રોજ મુખ્યપ્રધાનના નિવાસસ્થાને વહીવટી અને પોલીસ તંત્રની બેઠક યોજીને બહુમતી કોમનો ગુસ્સો કે લાગણી લઘુમતી કોમ ઉપર ઠાલવવા પ્રયત્ન કરવામાં આવે ત્યારે કોઈપણ પ્રકારના સખત પગલા ન ભરવા તેમજ ગુસ્સો ઠાલવવા દેવો. તે સમયે ભટ્ટે સરકાર તેમજ ઉચ્ચ અધિકારી સાથે વ્યક્તિગત વાંધાઓના કારણે બેઠક અંગે સરકાર સામે ખોટા આક્ષેપ કર્યા છે.જેને લઈને તેમની પણ ધરપકડ કરવામાં આવી છે.

ક્રાઈમ બ્રાંચના ડીસીપી ચૈતન્ય માંડલિક દ્વારા જણાવ્યું હતું કે. આ ફરિયાદ કાલે જ નોંધાઈ હતી. ધરપકડ બાદ તિસ્તા તપાસમાં સહયોગ ન આપતા અમે કોર્ટ પાસે 14 દિવસના રીમાન્ડની માંગ કરવાના છીએ. તિસ્તા દ્વારા મીડિયા સામે ખરાબ વર્તનની વાતની સામે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેમને મેજીસ્ટેટ સામે રજૂ કરવામાં આવશે. જેથી તેમને જે કોઈપણ ફરિયાદ હોય તે તેમની સામે કરી શકે છે. અમે તમામ મેડીકલ તપાસ કરાવી લીધી છે. તેમજ તિસ્તાને ક્રાઈમ બ્રાંચમાં ટ્રાન્સફર કરવાની પ્રોસેસ પણ શરૂ કરી દેવામાં આવી છે.ટ્રાન્સફર વોરંટ મળતા જ તિસ્તાને ક્રાઈમ બ્રાંચમાં ટ્રાન્સફર કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ કેસની તપાસમાં જે કંઈપણ સામે આવશે. તેના સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ તમામનું ઈન્વેસ્ટીગેશન ચાલી રહ્યું છે.

તીસ્તાની સંસ્થા સિટીઝન ફોર જસ્ટિસ એન્ડ પીસ ગુજરાતના રમખાણ પીડિત મુસ્લિમોની મદદનું કાર્ય કરતી હતી. જો કે રમખાણ પીડિતોએ જે તે સમયે તીસ્તા સામે એવી ફરિયાદ કરી હતી કે, પીડિતોની મદદના નામે વિદેશમાંથી ઉધરાવેલા નાણા અંગત કાર્ય માટે વાપર્યા તેમજ 2019માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં પણ એવું સામે આવ્યું હતું કે, તીસ્તા તેના પતિ જાવેદ અને અન્ય 3 લોકોએ રૂ.1 કરોડ 51 લાખની છેતરપિંડી કરી હતી.

(7:23 pm IST)