Gujarati News

Gujarati News

News of Sunday, 26th June 2022

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભગુભાઈ પટેલનું નિધન

લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહ્યા હતાઃભગુભાઈ પટેલ વન પર્યાવરણ અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે

ઓલપાડના પારડી ઝાંખરી ગામના મૂળ વતની અને ગુજરાત સરકારના વન પર્યાવરણ અને રમતગમત વિભાગમાં કેબિનેટ મંત્રી તરીકે રહી ચૂકેલા ભગુભાઈ પટેલનું આજે નિધન થયું છે. લાંબા સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા ભગુભાઈ પટેલ આજે જિંદગી સામેનો જંગ હારી ગયા છે. આ અંગેના વાવડ વહેતા થતાં સમગ્ર પંથકમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે. આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ સોશિયલ મીડિયા મારફતે શોક સંદેશો વ્યક્ત કર્યો હતો.લાંબી બીમારી બાદ ગુજરાત સરકારના માજી મંત્રી ભગુભાઇ પટેલનું નિધન થયું છે. તેઓ રાજ્યના વન પર્યાવરણ અને રમતગમત વિભાગના કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. ઓલપાડના કાંઠાના ગામડાઓ કે, જે લાંબા સમયથી વિકાસ ઝંખતા હતા. આ પંથકના ગામોને વિકાસનો પંથ આપવામાં ભગુભાઇએ યશસ્વી યોગદાન આપ્યું હતું. તેમની અણધારી વિદાયથી સમગ્ર પંથકના તેમના પ્રશંસકોમાં ભારે શોકની લાગણી જન્મી છે. PM નરેન્દ્ર મોદીએ ભગુભાઈ પટેલના નિધનને લઇને શોક વ્યકત કર્યો હતો. તેમણે ટ્વીટ કરી શોક વ્યક્ત કરતા જણાવ્યુ હતું કે, 'ગુજરાત સરકારના પૂર્વ મંત્રી ભગુભાઈ પટેલના અવસાનથી દુઃખ થયું. જનસેવા ક્ષેત્રે તેઓનું પ્રદાન હંમેશાં યાદ રહેશે. સદ્ગતના આત્માની શાંતિ માટે પ્રાર્થના તથા શોકગ્રસ્ત પરિવારને સાંત્વના'. આમ, વડાપ્રધાને શોક વ્યક્ત કરીને પરિવારને સાંત્વના આપી હતી.

(9:52 pm IST)