Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

અજય દેસાઈએ સ્વીટીની ઊંઘમાં જ હત્યા કરી હતી

સ્વીટી મર્ડરમાં હત્યાની કબૂલછાત બાદ વધુ ખુલાસા : અજય દહેજ પહોંચ્યો અને ત્યાં અટાલી ગામના હાઈવે પર એક અવાવરું બિલ્ડિંગમાં લાશ સળગાવી દીધી હતી

અમદાવાદ, તા.૨૫ : ચકચારી સ્વીટી પટેલ કેસમાં પોતે મર્ડર કર્યું હોવાનો ૪૮ દિવસ બાદ સ્વીકાર કરનારા અજય દેસાઈએ તેણે સ્વીટીનું કઈ રીતે મર્ડર કર્યું તેની સિલસિલાબદ્ધ વિગતો પોલીસને જણાવી છે. ખુદ પોલીસ ઈન્સ્પેક્ટર એવા દેસાઈએ કબૂલ્યું હતું કે સ્વીટી સાથે ઝઘડો થયા બાદ તેણે ૦૫મી જૂને રાત્રે ૧૨.૩૦ વાગ્યે તેનું ગળું દબાવી દીધું હતું. સ્વીટી ઊંઘમાં હતી ત્યારે અજય દેસાઈએ તેની હત્યા કરી નાખી હતી. મર્ડર કર્યા બાદ સ્વીટીની લાશને છેક સવારે પોણા અગિયાર વાગ્યા સુધી બેડ પર રહેવા દીધી હતી.

ત્યારબાદ અજય દેસાઈએ સ્વીટીની બોડીને ધાબળામાં લપેટી દીધી હતી. તે પોતાની ગાડીને રિવર્સમાં દરવાજા પાસે લાવ્યો હતો. સ્વીટીનું મર્ડર ઘરના પહેલા માળે આવેલા બેડરુમમાં કરવામાં આવ્યું હતું. અજય દેસાઈ ધાબળામાં લપેટેલી લાશને નીચે લાવ્યો હતો અને ગાડીની ડીકીમાં મૂકી દીધી હતી. ૧૧ વાગ્યે તેણે સ્વીટીના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે તેની અને સ્વીટી વચ્ચે મોટો ઝઘડો થઈ ગયો છે અને તે ઘર છોડીને ચાલી ગઈ છે તેમજ ફોનનો જવાબ પણ નથી આપી રહી. ત્યારબાદ સ્વીટીના ભાઈ જયદીપ પટેલે પોલીસમાં સ્વીટી ગુમ થયાની ફરિયાદ આપી હતી. સ્વીટીની લાશને લઈને સાંજે ચાર વાગ્યે અજય દેસાઈ કરજણથી આમોદ અને વાગરા થઈ દહેજ પહોંચ્યો હતો અને ત્યાં અટાલી ગામના હાઈવે પર આવેલી એક અવાવરું બિલ્ડિંગમાં તેણે લાશ સળગાવી મારી હતી. જગ્યા અજય દેસાઈના મિત્ર કિરિટસિંહ જાડેજાની હતી. અજય દેસાઈએ શરુઆતથી સ્વીટી ઘર છોડીને જતી રહી છે તે વાતનું રટણ કરે રાખ્યું હતું. જોકે, તપાસ દરમિયાન પોલીસના ધ્યાને આવ્યું હતું કે સ્વીટી ઘરમાંથી બહાર નીકળતી હોય તેવું એકેય સીસીટીવી ફુટેજમાં દેખાતું નથી. ઉલ્ટાનું અજય દેસાઈએ પાંચમી જૂનના રોજ  પોતાની ગાડી જે રીતે બંગલાની અંદર લીધી તે શંકા ઉપજાવનારું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, અજય દેસાઈ રોજ પોતાની ગાડી બંગલાની બહાર પાર્ક કરતો હતો. જોકે, ગુનો કર્યાના દિવસે તે પોતાની ગાડી રિવર્સમાં લઈ બંગલાની અંદર લાવ્યો હતો અને ખાસ્સા સમય બાદ તે ગાડી લઈને ઘરની બહાર નીકળ્યો હતો. ઉપરાંત, સ્વીટી અને અજય દેસાઈની કોલ હિસ્ટ્રી, લોકેશન ડિટેઈલ્સથી પણ સ્વીટીના ગાયબ થવામાં અજય દેસાઈનો હાથ હોવાનું કન્ફર્મ કર્યું હતું. સ્વીટીના ગાયબ થયા બાદ દેસાઈના ફોનનું લોકેશન દહેજમાં ટ્રેસ થયું હોવાથી પોલીસે ત્યાં તપાસ કરીને અટાલી ગામની અવાવરું બિલ્ડિંગમાંથી સળગેલા હાડકાં પણ શોધી કાઢ્યા હતા.

૦૫મી જૂનથી ગાયબ થયેલી સ્વીટીનું શું થયું તે શોધવા વડોદરા પોલીસ ખાસ્સા સમયથી મથી રહી હતી. જોકે, તેણે પોતાની તપાસ દરમિયાન કેસના સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેવા સળગેલાં હાડકાં અટાલી ગામમાંથી શોધી કાઢ્યા હતા. વડોદરા પોલીસે અજય દેસાઈનો નાર્કો ટેસ્ટ, પોલિગ્રાફી ટેસ્ટ તેમજ સસ્પેક્ટ ડિટેક્શન ટેસ્ટ પણ કરાવી લીધા હતા. સળગેલા હાડકાં સ્વીટીના છે કે નહીં તે કન્ફર્મ કરવા તેનો ડીએનએ ટેસ્ટ પણ થઈ ગયેલો. જોકે, તમામ ટેસ્ટના રિપોર્ટ આવવાના બાકી હતા અને તે અરસામાં તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાંચને સોંપી દેવામાં આવી હતી.

અજય દેસાઈ પોતે વડોદરામાં વર્ષો સુધી ફરજ નીભાવી હોવાના કારણે તે પોલીસને જરાય મચક નહોતો આપી રહ્યો. તે સતત એવો દાવો કરતો હતો કે સ્વીટી ઘર છોડીને જતી રહી છે. પોલીસે જે ટેસ્ટ કરાવ્યા તેના રિપોર્ટ આવવાના બાકી હોવાથી તેના હાથ પણ બંધાયેલા હતા. જોકે, અમદાવાદ ક્રાઈમ બ્રાંચના હાથમાં જેવો કેસ આવ્યો કે અજય દેસાઈને હવે તે વધુ સમય પોતાનો ગુનો નહીં છૂપાવી શકે તે વાતનો જાણે અહેસાસ થઈ ગયો હતો. ક્રાઈમ બ્રાંચે દેસાઈના ઘરમાં તપાસ કરતાં બાથરુમમાંથી કથિત લોહીના સેમ્પલ મળી આવતા અજય દેસાઈ ફરતે ગાળિયો મજબૂત થયો હતો. અધૂરામાં પૂરું તેણે તે વખતે નાર્કો ટેસ્ટ માટે ઈનકાર કરી દેતા તેના પરની શંકા મજબૂત બની હતી. જોકે, વડોદરા પોલીસે કરાવેલા ડીએનએ ટેસ્ટ સહિતના રિપોર્ટ આવે તે પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાંચની આકરી પૂછપરછમાં અજય દેસાઈ ભાંગી પડ્યો હતો અને તેણે પોતે સ્વીટીનું મર્ડર કર્યું હોવાની કબૂલાત કરી લીધી હતી.

(9:23 pm IST)