Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

એમ્બ્યુલન્સનું નરોતમભાઇ પટેલ, સી.આર.પાટીલ સહિતનાની ઉપસ્થિતીમાં લોકાર્પણ

૫૦૦૦ પાટીદાર પરિવારો ૩૦ જુલાઇ સુધીમાં ૧૦ લાખના ઉમાછત્ર કવચથી સુરક્ષિત બનશે : વિશ્વ ઉમિયા ધામની કારોબારી મિટિંગમાં ૧૦ કરોડના દાનની જાહેરાત

રાજકોટ,તા. ૨૬: જગત જનની મા ઉમિયાના ધામ વિશ્વઉમિયાધામ જાસપુર- અમદાવાદ ખાતે સંસ્થાની કારોબારી મિટિંગ અને તમામ સભ્યોની જનરલ બોર્ડની મિટિંગ મળી હતી જેમાં. મહત્વ પૂર્ણ રીતે વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાજી મંદિરના બાંધકામ અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની અનેક વિધ યોજનાઓનો ફલક વધારવા અંગે ચર્ચાઓ થઈ હતી. આ સાથે જ સમાજ વિવિધ શ્રેષ્ઠીઓ લગભગ ૧૦ કરોડની રકમનું માતબાર દાન આપ્યું હતું.

કોરોનાની લડતમાં સંસ્થાએ બે ICU ઓન વ્હિલ એમ્બ્યુલન્સનું દાન કર્યું

કોરોનાની મહામારીમાં આધ્યાત્મિકતા સાથે સાથે લોકોના આરોગ્યને લઈ સેવાઓની તાતી જરૂર ઉભી થઈ છે ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન-અમદાવાદે બે ICU ઓન વ્હિલ એમ્બ્યુલન્સ બે હોસ્પિટલને દાન કરી છે. જેનું લોકાર્પણ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ સી.આર.પાટીલ , પૂર્વ કેબિનેટ મંત્રી અને પાટીદાર અગ્રણી શ્રી નરોત્ત્।મભાઈ પટેલ ના હસ્તે કરવામાં આવ્યું જેમાં સંસ્થાના પ્રમુખશ્રી આર.પી.પટેલ ઉપપ્રમુખશ્રી પ્રહલાદભાઈ કામેશ્વર, દિપકભાઈ પટેલ ડી એન ગોલ, વાડીભાઈ પટેલ, મહામંત્રી શ્રી રૂપેશભાઈ પટેલ સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. આ ઉપરાંત સંસ્થા આવનાર સમયમાં ગુજરાતની અન્ય ૬ હોસ્પિટલો સાથે સંકલન કરી દવાથી લઈ સાધનો અને સ્ટાફ સહિતની તમામ મદદ કરવાની જાહેરાત કરી છે.

અનેક વિઘ્ન આવશે પણ મંદિરનું કામ સુપેરે પૂર્ણ થશેઃ નરોતમભાઈ પટેલ

પૂર્વ કેબિનેટ મંત્રી અને પાટીદાર અગ્રણી નરોતમભાઈ પટેલે ઉદબોધન કરતાં કહ્યું કે વિશ્વઉમિયાધામ મંદિર નિર્માણનું કાર્ય અનેક વિઘ્ન હોવા છતા સુપેરે પૂર્ણ થશે. જેને પણ આ કાર્ય ઉપાડ્યુ છે એવા આર પી પટેલને ધન્યવાદ છે. કાર્ય કરવામાં હાથી જેવો સ્વભાવ રાખી કાર્ય કરવું કુતરાઓ ભસસે પણ હાથીની જેમ કાર્ય પૂર્ણ કરજો એવા આશીર્વાદ આપ્યા

ઉમાછત્ર કવચ પૂરૂ પડાશેઃ આર પી પટેલ

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ શ્રી આર પી પટેલ સંસ્થાના કાર્યભારની વિગતવાર ચર્ચા સભ્યો સાથે કર્યા બાદ ઉમાછત્ર યોજનાની વિગતે વાત કરી હતી. આર પી પટેલે કહ્યું કે ૩૦ જુલાઈ સુધીમાં પાટીદાર સમાજના ૫૦૦૦ પરિવારને ૧૦ લાખનું વિમાકવચ ઉમાછત્ર યોજના હેઠળ પૂરૂ પડાશે. સંસ્થાની સમગ્ર સંગઠનની ટીમ કામે લાગી ગઈ છે. સેંકડો કાર્યકર્તાઓ આ કાર્યમાં લાગી ગયા છે અને સમાજને સર્વશ્રેષ્ઠ યોજના અર્પણ કરીશું

વિશ્વઉમિયાધામના નિર્માણ કાર્યને અભિનંદનઃ સી. આર.પાટીલ

આ કાર્યક્રમમાં ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ વર્ચ્યુલ જોડાયા હતા. તેમણે વિશ્વઉમિયાધામના નિર્માણ કાર્યને અભિનંદન પાઠવ્યા અને આ સુવર્ણ કાર્યમાં લોકો જોડાઈ અને મંદિર નિર્માણનું કાર્ય ઝડપથી સંપન્ન થાય એવી શુભકામનાઓ પણ પાઠવી હતી.

(10:39 am IST)