Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

રાજયના ૨૦૯ તાલુકાઓમાં મેઘરાજા મહેરબાનઃ ખેડૂતોમાં ખુશીની લહેર

છોટાઉદેપુર અને લોધિકામાં ૭.૨૫, કાલાવડ ૬ અને કપરાડામાં ૫ ઈંચ ખાબકયોઃ આજે પણ ભારે વરસાદની આગાહી

રાજકોટઃ રાજયના દક્ષિણ ભાગમાં મેઘો મહેરબાન થઈ ગયો છે. તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં હળવો વરસાદ થતાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો છે.  સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. છેલ્લા ૧૨ કલાકમાં કુલ ૨૦૯ તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.

આ દરમિયાન સૌથી વધારે છોટાઉદેપુર અને લોધિકામાં ૭.૨૫ ઈંચ વરસાદ ખાબકયો છે. તો કાલાવાડ ૬ ઈંચ અને કપરાડામાં ૫ ઈંચથી વધારે વરસાદ પડ્યો છે. આ સાથે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ દ્વારા અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં વડોદરા, છોટાઉદેપુર અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તે ઉપરાંત મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, નર્મદા, નવસારી, તાપી, સુરત, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જો કે મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠાના વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે.

(12:57 pm IST)