Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

અમદાવાદમાં ભારે વરસાદને કારણે ગટરના ઢાંકણાં ઉછળતા લોકોમાં ભયનો માહોલ: વિડિઓ વાયરલ

વીડિયો અંધજન મંડળ પાસેથી પસાર થતી કોઈ બસમાંથી એક મુસાફરે ઉતાર્યો હોવાની ચર્ચા

 અમદાવાદમાં વાદળ છાયા વાતાવરણથી સંપૂણ શહેરના લોકોને બફારાનો અનુભવ કરતાં હતાં. પરંતુ ગઈ કાલે શનિવારે સાંજે શહેરના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં. ત્યારે શહેરમાં અંધજન મંડળ ચાર રસ્તા પાસે એક આશ્ચર્યજનક બનાવ સામે આવ્યો હતો. એક ગટરમાંથી પાણી બેક લાગવાને કારણે ગટરનું ઢાંકણું પ્રેશરથી ઉછળી રહ્યું હતું. સોશિયલ મીડિયામાં પર આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

 

શનિવારે સાંજે સોશિયલ મીડિયામાં અમદાવાદમાં વરસાદ પડવાથી ગટરનું પાણી બેક મારવાને કારણે ગટરનું ઢાંકણું ઉછળતું હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વરસાદના પાણીનું પ્રેશર હોય કે પછી અન્ય કોઈ કારણસર ગટરનું ઢાંકણું જબરદસ્ત ઉછળતું હતું. આ જોઈને વાહનચાલકો અને રાહદારીઓમાં આશ્ચર્ય ફેલાયું હતું. આ વીડિયો અંધજન મંડળ પાસેથી પસાર થતી કોઈ બસમાંથી એક મુસાફરે ઉતાર્યો હોવાનું જાણવા મળ્યું છે. સામાન્ય વરસાદ પછી જો ગટરના ઢાંકણાની આ સ્થિતિ હોય તો વધારે વરસાદ પડે તો તેની સ્થિતિ કેટલી હદે ખરાબ થઇ શકે છે. મનપાના ડ્રેનેજ વિભાગ અને માર્ગ મકાન વિભાગ દ્વારા આ પ્રકારના ઢાંકણાઓની સલામત અને સુરક્ષા અંગે તકેદારી રાખવી મહત્વની છે.

(1:39 pm IST)