Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

કોરોનામા ફરજ બજાવી રિફ્રેશ થવા આવેલા મહિલા ડોકટરોની જાણ બહાર રિસોર્ટના કેન્ટીન, સિક્યુરિટી અને ગાર્ડનમાં કામ કરતા લોકોએ વીડિયો અને ફોટા પાડી લીધા : અભયમની ટીમ દોડી આવી

અમદાવાદની અસારવા  હોસ્પિટલમાં ફરજ બજાવતાં મહિલા ડોકટરો તેમના ડોકટર મિત્રો સાથે સાણંદ નજીક આવેલા એક રિસોર્ટમાં બે દિવસ પહેલા ફરવા ગયા હતા. જ્યાં રિસોર્ટમાં કામ કરતા સિક્યુરિટી, કેન્ટીન અને ગાર્ડનમાં કામ કરતા ત્રણ વ્યકિતઓએ તેમના ફોટો અને વીડિયો તેમની જાણ બહાર પોતાના  મોબાઈલમાં ઉતારી લીધા હતાં. આ મહિલા ડોકટરોએ તેમની પુછપરછ કરી ત્યારે આ લોકો ફોટો અને વિડીયો લીધા હોવાની કબુલાત કરતા ન હતા, જેથી આ મામલે મહિલા ડોકટરે અભયમ મહિલા હેલ્પલાઇનની મદદ લીધી હતી. મહિલા ડોકટર કોરોના ડ્યુટીમાં ફરજ બજાવી અને હાલમાં એમડીની પરીક્ષાની તૈયારી કરવાની હોવાથી ફ્રેશ થવા માટે આ રિસોર્ટમાં આવ્યા હતા. ગ્રુપના એક ડોકટર અવારનવાર આ રિસોર્ટમાં આવતા હોવાથી તેઓએ અહીંયા પોતાનું એક મકાન પણ રાખ્યું છે. બે દિવસથી ગ્રુપ સાથે તેઓ રિસોર્ટમાં રોકાયા છે. મહિલા ડોકટરો રિસોર્ટમાં ગાર્ડનમાં ફરતા હોય, ગેમ રમતા હોય ત્યારે રિસોર્ટના કેન્ટીન, સિક્યુરિટી અને ગાર્ડનમાં કામ કરતા વ્યકિતઓએ મોબાઈલમાં ફોટો વીડિયો ઉતારી લીધા હતા. ૧૮૧ અભયમની ટીમે તપાસ કરતા મહિલા ડોકટરોના ફોટો વીડિયો મળ્યા હતા એટલું જ નહીં અન્ય વ્યકિતઓ જેઓ આ રીસોર્ટમાં આવ્યા હતા તેમના પણ ફોટો અને વિડીયો મળી આવ્યા હતા. તમામ ફોટા અને વિડીયો ડીલેટ કરી નાખી ભવિષ્યમાં આવું ન કરવાનું કહી મામલો થાળે પાડ્યો હતો તેવું પ્રસિદ્ધ થયું છે.

(3:13 pm IST)