Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

વલસાડ જીલ્લાના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં 24 કલાકમાં સૌથી વધુ 5.60 ઇંચ વરસાદઃ મધુબન ડેમની સપાટી 71.60 પહોંચીઃ ડેમના 5 દરવાજા ખોલાયા

વલસાડના મોગરાવાડીમાં વૃક્ષ પડતા નેશનલ હાઇ-વે બંધઃ વૃક્ષની ડાળી પડતા જીવના જોખમે લોકોને પસાર થવુ પડયુ

વલસાડ: વલસાડ જિલ્લામાં ગત રોજથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના ચેરાપુંજી ગણાતા એવા કપરાડા તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં કપરાડા તાલુકાના 5.60 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ત્યારે જિલ્લામાં આવેલ મધુબન ડેમની સપાટી 71.60 પહોંચી છે. મધુબન ડેમમાં 40994 નવા નીરનું આગમન થયું છે, તો મધુબન ડેમમાંથી દર કલાકે 27647 જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 5 દરવાજા 1.50 મીટર ખુલ્લા રાખવામાં આવ્યા છે.

હવામાન વિભાગ દ્વારા આગાહીને લઈને જિલ્લામાં આજરોજ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો હતો. સવારના 6 થી 10 વાગ્યા સુધીના વરસાદની વાત કરીએ તો વલસાડ જિલ્લાના ઉમરગામમાં 1.5 ઇંચ, ધરમપુરમાં 1.4 ઇંચ, વલસાડમાં 1.6 ઇંચ, વાપીમાં 1 ઇંચ અને પારડીમાં 12 મીમી વરસાદ નોંધાયો છે.

વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે વલસાડના મોગરાવાડી ખાતે એક વૃક્ષની વિશાળ ડાળી ધરાશાયી થતા મોગરાવાડીથી નેશનલ હાઈવે 48 તરફ જતો માર્ગ બંધ થઇ ગયો હતો. વૃક્ષની ડાળી વીજ તાર પર પડતા વીજ પ્રવાહ બંધ થયો હતો તો લોકો વૃક્ષ નીચે થી જીવના જોખમે પસાર થવા મજબુર બન્યા હતા.

હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવાની સૂચનાઓ આપી દેવામાં આવી છે.

તો જિલ્લા કલેકટર દ્વારા અધિકારીઓને પોતાના હેડક્વાર્ટર ન છોડવાની સુચનો આપી દેવામાં આવ્યા છે. જિલ્લામાં એક એનડીઆરએફની ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે સજ્જ થઈ ગયું છે.

(4:15 pm IST)