Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

છોટાઉદેપુર જીલ્લામાં બારે મેઘ ખાંગાઃ ઓસંગ અને હેરણ સહિતની નદીઓમાં ઘોડાપુરફ છોટા ઉદેપુર-7, ક્‍વાંટ-6.5, બાડેલી 4.5, પાવી જેતપુરમાં 3.5 ઇંચ વરસાદ

ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્‍તારોમાં પાણી ભરાયા

છોટાઉદેપુર:  જિલ્લામાં બારેમેઘ ખાંગા થયા છે. ઓરસંગ અને હેરણ નદી સહિતની નદીઓ ગાંડીતુર બનીને બે કાંઠે વહી રહી છે. આ ઉપરાંત નાના મોટા તમામ કોઝવે પર પાણી ફરી વળ્યાં છે. છોટાઉદેપુરમાં 7 ઇંચ, ક્વાંટમાં 6.5 ઇંચ, બોડેલીમાં 4.5 ઇચ, પાવીજેતપુરમાં 3.5 ઇંચ, નસવાડી અને સંખેડામાં 1થી ડોધ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. છોટાઉદેપુર વિસ્તારમાં ધોધમાર વરસાદ થતા નીચાણવાલા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.

છોટાઉદેપુરના મંગળબજાર, પંચવટી બંગ્લોઝ વિસ્તારમાં પાણી ભરાયા છે. પંચવટી બંગલોઝમાં છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અને ઉચ્ચ અધિકારીઓનાં નિવાસસ્થાન આવેલા છે. બીજી તરફ ભારે વરસાદના પગલે ક્વાંટના કોચવડની દુધવાલ નદીમાં પુર આવ્યું છે. દુધવાલ નદીમાં પુરના પગલે કોઝ વે પાણીમાં ગરકાવ થઇ ચુક્યો છે. છોટાઉદેપુરની જીવાદોરી સમાન ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. ઓરસંગ નદીમાં સિઝનમાં ચોથીવાર પુર આવ્યું છે. હેરણ નદીમાં પુર આવતા નદી ગાંડીતુર બની છે. હેરણ નદીમાં પુર આવતા બોડેલીના કોસિન્દ્રા ચિખોદર વચ્ચેનું ડાયવર્ઝ ધોવાયું છે.

ક્વાંટના ખંડીબાર જવાના રસ્તે કોઝવે ધોવાઇ જતા પ્રસુતા મહિલા નવજાત બાળક સાથે અટવાઇ હતી. કોઝવે પર પાણી ફરી વળતા પરત હોસ્પિટલ લઇ જવાઇ હતી. બપોરના 3 વાગ્યે એમ્બ્યુલન્સમાં લવાતા રસ્તો ધોવાઇ જતો સામે છેડે વાહન વ્યવસ્થા કરાઇ હતી. કોઝવે ધોવાઇ જતા પ્રસુતાને ઘરે લઇ જવા માટે સામે છેડે વાહનની વ્યવસ્થા કરીને મોકલવામાં આવી હતી. 

(4:16 pm IST)