Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

ગાંધીનગર નજીક ચિલોડા પંથકમાં અસ્વસ્થ યુવતી પર ગામના જ ત્રણ શખ્સોએ દુષ્કૃત્ય આચરતા ચકચાર મચી જવા પામ્યો

ગાંધીનગર:શહેર નજીક ચિલોડા પંથકના પ્રાંતિયા ગામે માનસિક અસ્વસ્થ યુવતિ ઉપર ગામના જ ત્રણ શખ્સોએ દુષ્કૃત્ય આચર્યાની ઘટનાએ ચકચાર મચાવી છે. યુવતિની માતાની ફરીયાદના આધારે ડભોડા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી લીધી છે. પાંચ દિવસ અગાઉ યુવતિ ચાલવા માટે નીકળી હતી તે દરમ્યાન તેની એકલતાનો લાભ લઈને આ શખ્સોએ તેની સાથે બળજબરી કરી દુષ્કર્મ કર્યુ હતું. હાલ તો પોલીસે આરોપીઓનું મેડીકલ કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.   

સમાજમાં બળાત્કારની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગાંધીનગર શહેર નજીક ચિલોડા પંથકમાં આવેલા પ્રાંતિયા ગામમાં માનસિક અસ્વસ્થ યુવતિ સાથે ગામના જ ત્રણ યુવાનોએ દુષ્કર્મ આચર્યાની ઘટના બહાર આવી છે જેનેે લઈ સ્થાનિકોમાં પણ રોષ ભભુકયો છે. આ અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વીગતો પ્રમાણે ગામમાં રહેતી માનસિક અસ્વસ્થ યુવતિ તેના નિત્યક્રમ મુજબ દરરોજ સાંજે ચાલવા માટે નીકળતી હતી. પાંચ દિવસ અગાઉ પણ તે ગઈ હતી અને એક કલાકમાં ઘરે પરત ફરવાની જગ્યાએ રાત્રે નવ વાગ્યા સુધી આવી નહોતી. જેને લઈ પરિવારજનો ચિંતીત બન્યા હતા. યુવતિ ઘરે પરત ફરી ત્યારે વીખરાયેલા વાળ અને અસ્તવ્યસ્ત કપડાં જોઈને તેની માતાને કાંઈક અજુગતું બન્યાની ચિંતા બેસી હતી અને આ સંદર્ભે યુવતિને પુછતાં તેેણે હકીકત જણાવી હતી. જો કે કયા શખ્સોએ તેની સાથે આ કૃત્ય કર્યું તે સંદર્ભે તેણે કાંઈ કહયું નહોતું. ત્યારે પરિવારજનોએ પણ યુવતિ સાથે દુષ્કૃત્ય આચરનાર શખ્સોને શોધવાનું શરૃ કર્યું હતું અને યુવતિ પાસેથી મળેલા મોબાઈલ નંબરની તપાસ કરતાં ગામના જ ર૩ વર્ષીય યુવાન જીલુજી લખાજી ઠાકોરનો નંબર હોવાનું ખુલ્યું હતુ. ત્યારબાદ આ યુવાનને પરિવારજનોએ ઝડપી પુછપરછ કરતાં ગામના પરબતજી હોથાજી ઠાકોર ઉવ.૩ર અને લાલાજી ઉર્ફે મરઘી ઠાકોર હોવાનું જણાવ્યું હતું. જેના પગલે યુવતિની માતાએ ગઈકાલે મોડી સાંજે આ સંદર્ભે ડભોડા પોલીસમાં પુત્રી સાથે દુષ્કર્મની ફરિયાદ આપતાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૃ કરી છે. ડભોડા પીએસઆઈ એ.એ.વછેટાએ જણાવ્યું હતું કે ફરીયાદના આધારે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે અને ભોગ બનનાર યુવતિ અને આરોપીઓનું મેડીકલ કરાવી લેવાયું છે. 

(5:31 pm IST)