Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 7 બેઠકો માટે 65.83 ટકા મતદાન નોંધાયું

76175 મતદારો પૈકી 50148 મતદારોએ મતદાન : 28 સપ્ટેમ્બર પછી પરિણામ જાહેર થશે: સૌથી વધુ ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય અને શિક્ષક વિભાગમાં 82.23 ટકા અને વાલી મંડળમાં સૌથી ઓછું 54.45 ટકા મતદાન

ગાંધીનગર: છેલ્લા ઘણા સમયથી કોરોનાના કારણે મોકૂફ રહેલ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ચૂંટણી થઈ હતી. રસાકસીભરી ચૂંટણીમાં 65.83 ટકા જેટલુ મતદાન થયું છે. શિક્ષણ બોર્ડની 7 બેઠકો માટે 24 ઉમેદવારો વચ્ચે થયેલા ચૂંટણી જંગમાં મતદાનની કાર્યવાહી પુર્ણ થયા બાદ તમામ મતપેટીઓ સીલ કરી દેવામાં આવી છે.

હવે મંગળવારે 28 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર ખાતે મતગણતરી હાથ ધરીને તે જ દિવસે પરિણામ જાહેર થવાની શક્યતા છે. આજની ચૂંટણીમાં થયેલા મતદાનમાં ઉત્તર બુનિયાદી શાળાના આચાર્ય અને શિક્ષકના વિભાગમાં સૌથી વધુ 82.23 ટકા અને વાલી મંડળ વિભાગમાં સૌથી ઓછું 54.45 ટકા મતદાન થયું છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના 7 સભ્યોની ચૂંટણી માટે શનિવારે મતદાન થયું હતું. 7 બેઠકો માટે 24 જેટલા ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ થયો હતો. જેમાં સૌથી રસપ્રદ જંગ સંચાલક મંડળની બેઠક પર થયો છે.

આ ઉપરાંત વાલી મંડળ અને માધ્યમિક શિક્ષક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણની બેઠક પર પણ કાંટે કી ટક્કર જોવા મળી હતી. સવારથી જ મતદાન માટે મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને દરેક સેન્ટર પર મતદારોની ભીડ જોવા મળી હતી.

શિક્ષણ બોર્ડની 7 બેઠકો માટે કુલ 76175 મતદારો નોંધાયા હતા. રાજ્યમાં 108 મતદાન કેન્દ્રો પરથી મતદાનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં મતદાન માટે નિયત કરેલો સમય પુર્ણ થયા બાદ રાજ્યમાં કુલ 50148 મતદારોએ મતદાન કર્યું હતું.

આમ, સમગ્ર રાજ્યમાં શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં 65.83 ટકા જેટલું મતદાન થયું છે. મતદાનની કાર્યવાહી પુર્ણ થયા બાદ તમામ મતપેટીઓ સીલ કરીને ગાંધીનગર ખાતે રવાના કરવામાં આવી છે.

મતપેટીઓને સ્ટ્રોંગરૂમમાં મુકવામાં આવ્યા બાદ ત્રીજા દિવસે એટલે કે 28 સપ્ટેમ્બર, મંગળવારના રોજ ગાંધીનગર ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે. શિક્ષણ બોર્ડની ચૂંટણી બેલેટ પેપરથી થતી હોવાથી મતગણતરીમાં બપોર સુધીમાં ચિત્ર સ્પષ્ટ થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું.

હાલમાં તમામ ઉમેદવારો પોત પોતાની જીતના દાવા કરી રહ્યું છે. જોકે, 28 સપ્ટેમ્બરના રોજ મતપેટીમાંથી 24 ઉમેદવારોનું ભાવિ ખુલ્યા બાદ જ ચિત્ર સ્પષ્ટ થશે. સમગ્ર રાજ્યમાં કોઈ પણ જગ્યાએ મતદાન વખતે કોઈ અજુગતી ઘટના બની ન હોવાનું શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે.

(12:56 pm IST)