Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

નવરાત્રિમાં છૂટછાટ મળતાં વેપારીઓમાં આનંદનો માહોલ : ચણિયાચોળીનો વેપાર પુન: જીવંત બનશે : વેપારીઓ પણ સજ્જ બન્યા

કચ્છી ભરતકામ અને કાપડમાં તૈયાર થયેલા ચણીયાચોળીની ખેલૈયાઓમાં ભારે ડિમાન્ડ હોય છે

 મોડાસા:  કોરોના મહામારીના પગલે અનેક ધંધાઓ મુશ્કેલી વચ્ચે ટકી ગયા હતા. ખાસ કરીને નવરાત્રિ દરમિયાન કચ્છી ટ્રેડીશનના ચણીયાચોળી અને અન્ય કપડાંની ભારે માગ દર વર્ષે રહેતી હતી. જોકે ગત વર્ષે કોરોના મહામારીને કારણે નવરાત્રિની ઉજવણી જ રદ્દ કરાતાં અરવલ્લી જિલ્લાના વેપારીઓને મોટો આર્થિક ફટકો પડ્યો હતો. ત્યારે ચાલુ વર્ષે સરકારે છુટછાટ આપતા વેપારીઓને સારા વેચાણની આશા બંધાઈ છે.

અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસામાં કચ્છી ભરત સાથે અરજખ બાટી પ્રિન્ટના કપડાઓની ચાલુ વર્ષે ડીમાન્ડ અને વેચાણની વેપારીઓને આશા છે. ખાસ કરીને બાળકોના કપડાનુ વેચાણ વધશે તેવું વેપારીઓ માની રહ્યા છે. અને સરકારે છુટછાટ આપતા ફરી વેપાર જીવંત બનશે.

સામાન્ય દિવસોમાં મોડાસાની બજારમાં લાખો રૂપિયાની ખરીદી નવરાત્રિ ગરબા માટે થતી હતી પરંતુ હવે તો ઓનલાઇન ખરીદી પણ વધી છે. ત્યારે તેની થોડીઘણી અસર પણ પડશે તેવું વેપારીઓનું માનવું છે. નોંધનીય છેકે છેલ્લા દોઢ વર્ષથી કોરોના મહામારીને કારણે અનેક ધંધા-રોજગારને અસર પડી છે. જેમાં નાના વેપારીઓની તો આર્થિક હાલત પણ કફોડી બની છે. ત્યારે હવે કોરોના મહામારી હળવી બનતા વેપારધંધા ફરી ધમધમતા થયા છે. અને, નવરાત્રિમાં સરકાર દ્વારા છુટછાટમાં વધારો કરાતા વેપારીઓને નવી આશા જાગી રહી છે.

કચ્છી ભરતકામ અને કાપડમાં તૈયાર થયેલા ચણીયાચોળીની અરવલ્લી જિલ્લાના ખેલૈયાઓમાં નવરાત્રિ દરમિયાન ભારે ડિમાન્ડ હોય છે પરંતુ ગત વર્ષે નવરાત્રિ થઈ શકી ન હતી જેનાથી આ વેપાર ઉપર તેની મોટી અસર હતી. તેવામાં સરકારે નવરાત્રીની છુટ આપતા બે વર્ષમાં ગયેલા નુકશાનના વડતરની વેપારીઓને આશા છે. અને નવરાત્રી દરમ્યાન ગ્રાહકોની મોટી ભીડને આકર્ષવા માટે વેપારીઓ સજ્જ બન્યા હોવાનું વેપારી ભરતભાઈએ જણાવ્યું હતું

(3:13 pm IST)