Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

રાહ જોવડાવ્યા બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ

ડીસા-દાંતીવાડામાં ઘૂંટણસમા પાણી ભરાયા : ગુજરાતમાં હજુ પણ ૩ દિવસ સારા વરસાદની આગાહી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે

બનાસકાંઠા, તા.૨૬ : ગુજરાતમાં હજુ પણ ૩ દિવસ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ પડી શકે છે. બનાસકાંઠા જિલ્લામાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દાંતીવાડા અને ડીસામાં ભારે વરસાદને લીધે ઠેર-ઠેર ભરાયા પાણી છે. અવિરત વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જોકે, લાંબા વિરામ બાદ ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે.  બનાસકાંઠાના ડીસામાં મેઘો મુશળધાર બન્યો છે. ડીસામાં વહેલી સવારથી અત્યાર સુધી ૫.૫ ઇંચ વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ડીસાના આખોલ ચાર રસ્તા પાસેની દુકાનોમાં પાણી ભરાયા છે. ડીસામાં સવારના બે કલાકમાં પડ્યો ૩.૫ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે. દાંતીવાડામાં પડેલ વરસાદના કારણે વાવધરા ગામના સૂકાભઠ વહોળામાં પાણી આવ્યુ છે. અવિરત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

ડીસામાં આખોલ ચાર રસ્તા પાસેની દુકાનો પાણી ભરાયા છે. શહેરની લગભગ ૧૦૦ જેટલી દુકાનોમાં ૫ ફૂટ જેટલું પાણી ભરાયું છે. દુકાનોમાં પાણી ભરાતા વેપારીઓને લાખ્ખોનું નુકશાન થયું છે. સવારથી આ દુકાનદારોએ દુકાનોમાંથી પાણી બહાર કાઢવા માથાપચ્ચી કરી રહ્યાં છે. ડીસામાં પડેલા ધોધમાર વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે.

તો બીજી તરફ, પાટણ જિલ્લામાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે. પાટણ શહેરમાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદનું આગમન થયું છે. પાટણ, કમલીવાડા, રાજપુર, હાજીપૂર, હાસાપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની એન્ટ્રી છે. ભારે પવન અને ગાજવીજ સાથે ઘોઘમાર વરસાદ વરસી રહ્યો છે. વરસતા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. સિદ્ધપુર પંથકમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.

લાંબી રાહ જોવડાવ્યા બાદ આખરે ઉત્તર ગુજરાતમાં વરસાદનું આગમન થયું છે. હજી પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે. હજી સુધી પણ સીઝનનો માત્ર ૫૦ ટકા વરસાદ જ વરસી ચૂક્યો છે. ગત સાંજથી ડીસા, દાંતીવાડામાં વરસાદ વરસી રહ્યો છે.

(7:20 pm IST)