Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા ભાજપને ફટકો: પેથાપુરના મહામંત્રી સાથે 200 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

પેથાપુરનાં પૂર્વ નગરપતિ રણજીતસિંહ વાઘેલાએ ભાજપને રામ રામ કરી આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી લેતા ભાજપ છાવણીમાં સોપો

ગાંધીનગરના પેથાપુર વોર્ડના મહામંત્રી સહિત 200 કાર્યકર્તાઓએ ભાજપને રામ રામ કહી કોંગ્રસનો હાથ પકડ્યો છે. કોંગ્રેસનો હાથ પકડી લેતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

ગાંધીનગરમાં કોર્પોરેશનની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો જ બાકી રહ્યા છે. પાર્ટીના ઉમેદવારો મતદાતાઓને રિઝવવા માટે કામે લાગી ગયા છે. ત્યારે ગાંધીનગરથી ભાજપના કાર્યકર્તાઓએ પાર્ટીને મોટો ફટકો આપ્યો છે. પેથાપુરનાં પૂર્વ નગરપતિ રણજીતસિંહ વાઘેલાએ ભગવો ઉતારી દઈ આમ આદમી પાર્ટીનું ઝાડુ પકડી ભાજપને રામ રામ કરી દેતા ભાજપ છાવણીમાં સોપો પડી જવા પામ્યો હતો.

ભાજપ દ્વારા સતત થતી અવગણના તેમજ કાર્ય પ્રણાલીથી નારાજ વોર્ડ મહામંત્રી તેમજ યુવા મોરચાના કારોબારી સદસ્ય સહિત 200 કાર્યકરોએ ગુજરાત પ્રદેશ પ્રવકતા યુવરાજસિંહ રાણા તેમજ જિલ્લાના નેતાઓની હાજરીમાં વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરી લેવામાં આવ્યો છે.

એક તરફ ત્રિપાંખીયા ચૂંટણી જંગમાં સ્પષ્ટ જીત હાંસલ કરવાં મંત્રી મંડળ ને વિશેષ જવાબદારી સોપવામાં આવી છે. એવા સંજોગોમાં ભાજપમાં ગાબડું પડતાં વોર્ડ નંબર-2માં ચૂંટણી જંગ જીતવા લોઢાના ચણા ચાવવા સમાન પુરવાર થવાની શક્યતા વર્તાઈ રહી છે. પ્રદેશ કક્ષાએથી ચૂંટણી ટાણે પક્ષમાં ગાબડું ના પડે તેનું ધ્યાન રાખવાની ભાજપ સ્થાનિક નેતાઓને ખાસ સૂચનાઓ આપવામાં આવેલી છે. તેમ છતાં ભાજપમાં ફરીવાર ગાબડું પડતાં પ્રદેશ નેતાઓ પણ નારાજ થયા હોવાની ચર્ચા વહેતી થઈ છે.

(8:45 pm IST)