Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

છોટાઉદેપુરના કવાંટ પંથકમાં 6 કલાકમાં 6 ઈંચ વરસાદ ખાબકયો :લોકોના ઘરોમાં પાણી ઘુસ્યા : ઘરવખરીને નુકશાન

રામી ડેમ છલકાયો : હેરણ અને રામી નદીમાં પૂર : ખાંડીબારા પાસેનું નાળું ધોવાઇ ગયું :ભારે વરસાદને પગલે નદી-નાળા છલકાઇ ગયા : રામી ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં આવતા આઠ ગામોને એલર્ટ કરાયા

છોટાઉદેપુરના કવાંટ પંથકમાં વહેલી સવારથી મેઘરાજાએ સટાસટી બોલાવી છે. 6 કલાકમાં 6 ઈંચ વરસાદ વરસતા લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા છે અને રસ્તાઓ પણ બેટમાં ફેરવાઈ ગયા છે. આજે સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. કવાંટમાં 6 કલાકમાં 6 ઇંચ વરસાદ વરસ્યો છે. વહેલી સવારે લગભગ દોઢ કલાક વરસાદ વરસ્યા બાદ વિરામ લીધો હતો. જોકે, ફરીથી વરસાદ શરૂ થતાં લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે અને હાલ વરસાદ વરસી રહ્યો છે.

કવાંટમાં ધોધમાર વરસાદને પગલે નસવાડી રોડ પરના નીચાણવાળા વિસ્તારના ઘરોમાં પાણી ભરાઇ ગયા છે અને ઘરોમાં પાણી ભરાતા ઘરના સામાનને નુકસાન પહોંચ્યું છે. ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા સ્થાનિકો મુશ્કેલીમાં મૂકાયા છે.

કવાંટમાં ભારે વરસાદને પગલે નદી નાળા છલકાઇ ગયા છે. ભારે વરસાદને કારણે રામી ડેમ જવાના રસ્તા પર ખાંડીબારા પાસેનું નાળું ધોવાઇ ગયું છે અને રામીડેમ જવાનો એકમાત્ર રસ્તો બંધ થઇ ગયો છે. હેરણ અને રામી નદીમાં પૂર આવ્યા છે. મોટા વાંટા ખાતે બંને નદીના સંગમ સ્થળે નદી બે કાંઠે વહી રહી છે.

બીજી તરફ છોટાઉદેપુર જિલ્લામાં થયેલા 91 ટકા જેટલાં વરસાદના પગલે જિલ્લામાં સમાવિષ્ટ 13 સિંચાઈ તળાવો પૈકી 7 તળાવો 100 ટકા ભરાયા છે. જેને લઈ વરસાદી ખેતી તેમજ રવિ પાક લેતાં ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. આ સાથે જિલ્લામાં ઉદભવતી પાણી તંગીની સમસ્યા પણ હળવી બનશે તેમ પણ કહી શકાય તેમ છે.

છોટાઉદેપુર તાલુકાના 5 જેમાં ઝેર, જામલી, હરવાંટ, નાલેજ, સિંગલા અને પાવીજેતપુર તાલુકાના 2 તળાવો જેમાં કુંદનપુર અને જોગપુરાનો સમાવેશ થાય છે. જોકે છોટાઉદેપુર અને પાવીજેતપુર તાલુકામાં વરસાદ પણ 100 ટકા ઉપર પહોંચ્યો છે. એક અપવાદરૂપ કિસ્સા તરીકે કવાંટ તાલુકામાં પણ વરસાદનો આંક 100 ટકા ઉપર પહોંચ્યો છે. પરંતુ તેમાં સમાવિષ્ટ અમલવાંટ સિંચાઈ તળાવ 50 ટકાથી વધુ ભરાયુ નથી.

(8:52 pm IST)