Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ફ્લેટનો ઉપયોગ હની ટ્રેપ માટે થતો હોવાનો ખુલાસો

વડોદરાનો ચકચારી હાઈપ્રોફાઈલ રેપ કેસ : ફ્લેટનો ઉપયોગ અશોક જૈન ઈન્કમટેક્સ અધિકારીઓને ખુશ રાખવા માટે કરતો હોવાનું તપાસમાં ખૂલ્યુ છે

વડોદરા, તા.૨૬ : વડોદરાના ચકચારી હાઈપ્રોફાઈલ રેપ કેસમાં એક પછી એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે. હજુ સુધી પોલીસ આરોપીઓ પાવાગઢના ટ્રસ્ટી રાજુ ભટ્ટ અને સીએ અશોક જૈનને પકડી શકી નથી. પરંતુ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં એક પછી એક ધડાકા થઈ રહ્યા છે. જે ફ્લેટમાં વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરાયુ હતું, તે ફ્લેટનો ઉપયોગ હની ટ્રેપ માટે થતો હોવાનો ખુલાસો થયો છે. આ ફ્લેટનો ઉપયોગ અશોક જૈન ઈક્નમ ટેક્સના અધિકારીઓને ખુશ રાખવા માટે કરતો હોવાનું તપાસમાં ખૂલ્યુ છે.

વડોદરા રેપ કેસ પોલીસ અધિકારીઓને પણ આંટા આવી જાય તેવો ગૂંચવાઈ ગયો છે. વડોદરાના ટોચના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાં અશોક જૈનનું નામ સામેલ છે. પરંતુ પોતાના ક્ષેત્રમાં પોતાનુ ધાર્યુ કરાવવા માટે અશોક જૈન નિસર્ગ કોમ્પ્લેક્ષનો ૯૦૩ નંબરના ફ્લેટનો ઉપયોગ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ ફ્લેટમાં ઈક્નમટેક્સ અધિકારીઓના આંટાફેરા રહેતા હતા. અધિકારીઓને ખુશ કરવાનુ કામ આ ફ્લેટમાં થતુ હતું.

નિસર્ગ કોમ્પ્લેક્સનો ૯૦૩ નંબરનો ફ્લેટ જ અશોક જૈને પીડિતાને ભાડે અપાવ્યો હતો. ત્યારે આ ફ્લેટમાં જ અધિકારીઓની સાથે કેટલાક શ્રીમંતો પણ રંગરેલિયા મનાવતા હોવાનું કહેવાય છે. આ તમામ બાબતની સાબિતી પૂરી પાડે છે ફ્લેટમાં લાગેલા સીસીસીટી કેમેરા. જેની તમામ ડિટેઈલ્સ પીડિતાઓ પોલીસને આપી છે. આ સીટીટીવીમાં જ અશોક જૈન અને રાજુ ભટ્ટ પીડિતા સાથે રંગરેલિયા મનાવતા દેખાઈ રહ્યાં છે.

સમગ્ર મામલામાં ડર એ છે કે, હજુ સુધી પીડિતાએ પોલીસને સીસીટીવીનું મેમરી કાર્ડ સોંપ્યુ નથી. જો મેમરી કાર્ડ જમા કરાવશે તો અનેક મોટા લોકોના નામ ખૂલે તેવી શક્યતા છે. જોકે, હાલ મેમરી કાર્ડ કોની પાસે છે તે રહસ્ય પણ અકબંધ છે. આવામાં પોલીસને હની ટ્રેપની પણ શંકા છે. ક્રાઈમ બ્રાન્ચ હાલ પીડિતાની મદદ કરનાર બૂટલેગર અલ્પુ સિંધીને પણ શોધવા મથી રહી છે. બુટલેગર અલ્પુ સિંધીને શોધવા પોલીસની ટીમો પણ જોડાઈ ગઈ છે.

પોલીસે પિડીતા જે હોટલમાં રોકાઇ હતી તે હાર્મોની હોટલના મેનેજર ઉપરાંત ફ્લેટના માલિક રાહિલ જૈન, જેની મારફતે તે પહેલીવાર અશોક જૈનને મળી હતી તે પ્રણવ શુકલની પૂછપરછ કરાઇ હતી. હાર્મોની હોટલના માલિકને પણ પુછપરછ માટે બોલાવાશે તેમ પોલીસે જણાવ્યું હતું.

આ ઉપરાંત અશોક જૈનની ઓફિસમાં કામ કરતા સ્ટાફના ૭૦થી વધુ કર્મચારીઓને પણ પોલીસે બોલાવ્યા હતા શનિવારે સાંજ સુધી ૩૦થી વધુના નિવેદન લેવાયા હતા. ફલેટ પર યુવતીને કોણ કોણ મળવા આવતુ તેની તપાસ કરાઇ હતી.મોડી રાતે બંનેના ઘેર અને સીએની ઓફિસમાં સર્ચ કરાયું હતું. રાજુ ભટ્ટ હાજર થયાની ચર્ચાને પગલે પોલીસે આખો દિવસ ખુલાસા કરવા પડયા હતા

(9:12 pm IST)