Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઇડ મયુરસિંહ રાઉલને ટુરીઝમ એકસેલન્સ એવોર્ડ -2021 એનાયત

મુખ્ય કારોબારી અધિકારી રવિ શંકર સહિત અધિકારીઓ અને ગાઇડમિત્રોએ મયુરસિંહ રાઉલને અભિનંદન પાઠવ્યા

રાજપીપળા :સ્ટેચ્યુ ઓફ યુનિટી ખુબ ટુંકા સમયમાં વિશ્વભરનાં પ્રવાસીઓ માટે મહત્વનું આકર્ષણ બન્યુ છે અને અનેકવિધ એવોર્ડ પણ મળી ચુકયા છે. આ અગાઉ વિશ્વની 7 અજાયબીઓમાં પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીને સ્થાન મળી ચુકયુ છે. ગુજરાત ટુરીઝમ દ્વારા આયોજીત ‘ટુરીઝમ એકસેલન્સ એવોર્ડ -2021’મા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઇડ મયુરસિંહ રાઉલને બેસ્ટ ટુર ગાઇડ ઓફ ગુજરાત કેટેગરીમાં એવોર્ડ મેળવ્યો હતો.

સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગાઈડ મયુરસિંહ રાઉલ રનર્સ અપ રહ્યા હતા.ગાંધીનગરમાં 25/09/2021એ યોજાયેલા કાર્યક્રમમાં મયુરસિંહને ગુજરાત ટુરીઝમનાં વહીવટી સંચાલક જેનુ દેવનનાં હસ્તે એવોર્ડ અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યું હતું.મયુરસિંહ રાઉલને ટુરીઝમ એકસેલન્સ એવોર્ડ -2021 એનાયત કરવામાં આવતા SOUADTGAનાં મુખ્ય કારોબારી અધિકારી રવિ શંકર સહિત અધિકારીઓએ અભિનંદન પાઠવ્યા હતા.આ તકે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાથી ગાઇડમિત્રોએ પણ મયુરસિંહ રાઉલને અભિનંદન પાઠવ્યા હતા

મયુરસિંહ પ્રવાસીઓના પ્રવાસને, વાણીની મીઠાશ, વર્તનના સૌજન્ય, રસપ્રદ માહિતી, સહજ રમુજી સ્વભાવથી બનાવે છે યાદગાર.આ બધાના સરવાળાથી તેમનો સમાવેશ ગુજરાતના બેસ્ટ ટૂર ગાઈડમાં થયો છો.જો પ્રવાસી મહેમાન છે તો ગાઈડ પ્રવાસધામનો યજમાન છે જે અતિથિ સત્કારની સાથે પ્રવાસને જ્ઞાન સમૃદ્ધ અને યાદગાર બનાવે છે.ક્લાસિક હિન્દી ચલચિત્ર ગાઇડમાં સદાબહાર દેવાનંદે ગાઈડ કે ભોમિયાની ભૂમિકાને અમર બનાવી છે.એ જ રીતે કેવડિયા કોલોની અને હવે વૈશ્વિક આકર્ષણનું કેન્દ્ર બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવાસને અને ખાસ કરીને અતિ વિશિષ્ઠ મહાનુભાવોના પ્રવાસને અહીંના સદાબહાર રાજુ ગાઈડ જેવા મયુરસિંહ રાઉલ આનંદપ્રદ અને યાદગાર બનાવે છે.

મયુરસિંહ રાજપીપળાના સ્થાનિક વતની છે એટલે અહીંના ઇતિહાસ અને ભૂગોળથી વાકેફ છે.સંપૂર્ણ શિક્ષણ અંગ્રેજી માધ્યમમાં મેળવ્યું છે છતાં, માત્ર અંગ્રેજી નહિ ગુજરાતી, હિન્દી અને સંસ્કૃતમાં પ્રવાસીઓને તમામ માહિતી જીભના ટેરવે આપી શકે છે.મરાઠી એમના માતાની ભાષા છે એટલે કામચલાઉ મરાઠીમાં સમજણ આપવાની પણ તેમને ફાવટ છે.અને કુશળ ગાઈડ માટે એ અનિવાર્ય છે કે તે એક કરતાં વધુ ભાષાઓમાં પ્રવાસીઓને સ્થળની જાણકારી આપી શકે અને મયુરસિંહ આ કસોટીમાં ખરા ઉતરે છે. એટલે જ ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં યોજવામાં આવેલા ટુરિઝમ એકસેલન્સ એવોર્ડ 2021 માં એમને બેસ્ટ ટૂર ગાઈડ ઓફ ગુજરાતની શ્રેણીમાં રનર્સ અપ એટલે કે ઉપવિજેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

કેવડિયાનું મુખ્ય આકર્ષણ વ્યક્તિત્વની દૃષ્ટિએ અતિ વિરાટ સરદાર સાહેબની મહા પ્રતિમા અને ગુજરાતનો મહા બંધ નર્મદા બંધ છે.તેની સાથે આ સ્થળને સંપૂર્ણ પ્રવાસ ધામ બનાવતા 36 પ્રોજેક્ટ્સ છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમ ટેકનોલોજીની કરામત છે તો તેની સાથે કુદરતી વિવિધતા, આરોગ્યમયતા, સામાજિક ઉત્કર્ષ પ્રેરક અનેક આકર્ષણ આ સ્થળને યાદગાર દર્શનીયતા આપે છે.

મયુરસિંહની વિશેષતા એ છે તેઓ સ્ટેચ્યુના અણુએ અણુની ઝીણવટભરી જાણકારી ધરાવે છે તો નર્મદા બંધની અનોખી ખાસિયતો તેમની જીભના ટેરવે છે.અહીં બે પ્રકારના ગાઈડ હોય છે.એક ગાઈડ તમામ સ્થળો અંગે જરૂરી પ્રાથમિક માહિતીથી સુસજ્જ હોય છે, તો બીજા સ્થળ વિશેષના નિષ્ણાત ગાઈડ હોય છે.તેઓ પ્રથમ શ્રેણીના ગાઈડ છે એટલે દરેક સ્થળની, દરેક પ્રોજેક્ટની પ્રાથમિક જાણકારી ધરાવે છે.

તેમનો સહજ રમુજી સ્વભાવ પ્રવાસીઓની મુલાકાતને આનંદથી ભરી દે છે.તેઓ સ્ટેચ્યુના પ્રદર્શન વિભાગમાં જેટલી ગહનતા થી સરદાર સાહેબને પ્રેરક જીવન પર પ્રકાશ પાડે છે એટલી જ સહજતાથી પ્રતિમાના ચરણ સ્થળની મોકળી જગ્યાએ રમૂજો થી મુલાકાતીઓને આનંદિત કરી શકે છે.તેની સાથે તેમના વિનય, વિવેક અને સૌજન્યશીલતા પ્રવાસીઓને પ્રભાવિત કર્યા વગર નથી રહેતા.એટલે જ દેશના સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ જેવા ટોચના કેન્દ્રીય મંત્રીઓ, અન્ય રાજ્યોના મંત્રીઓ અને પ્રતિનિધિ મંડળો, વિદેશી રાજદૂતો, રાજદ્વારીઓ અને પ્રતિનિધિ મંડળો સાથે ગાઈડ તરીકે તેમની પસંદગી કરવામાં આવે છે.

મોબાઈલ ક્રેઝી યુવા સમુદાયમાં તેમની એક ખાસિયત વિશેષ લોકપ્રિય છે.જો કે હવે નાના મોટા સહુને પ્રવાસન સ્થળે સેલ્ફી લેવાનો ભારે શોખ છે.મયુરસિંહ સ્ટેચ્યુના બેસ્ટ સેલ્ફી પોઈન્ટ્સની ઊંડી જાણકારી ધરાવે છે.એટલે સેલ્ફી દ્વારા પ્રવાસીઓના પ્રવાસને યાદગાર બનાવવામાં તેઓ યોગદાન આપે છે

(10:09 pm IST)