Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

શિક્ષણ બોર્ડની 7 સભ્યો માટેની ચૂંટણીની ગાંધીનગરના બદલે રૂપાલમાં મતગણતરી કરાશે

બે તબક્કામાં મતગણતરી કરાશે : પ્રથમ તબક્કા માટે 63 ટેબલ પર મત છુટા પાડવાની કામગીરી : બીજા તબક્કા માટે 11 ટેબલ પરથી ઉમેદવારના મત છુટા પાડી ગણતરી કરાશે.

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 7 સભ્યોની ચૂંટણીનું ગઇકાલે તા.25મી સપ્ટેમ્બરના રોજ મતદાન પૂર્ણ થયું છે. તે સાથે જ મતગણતરી માટેની તડામાર તૈયારીઓ શરૂ થઈ છે. જોકે, બોર્ડ દ્વારા પહેલી વખત ગાંધીનગરના બદલે રૂપાલ ખાતે મતગણતરી હાથ ધરવાનું નક્કી કરાયું છે. 7 સભ્યો માટે થયેલા મતદાનની મતગણતરી બે તબક્કામાં કરવામાં આવનાર હોવાની જાહેરાત કરાઈ છે. જેમાં પ્રથમ તબક્કામાં મતપેટીઓમાંથી ખંડવાર મત જુદા પાડવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં ખંડવાર મતોમાંથી ઉમેદવાર પ્રમાણે મત જુદા પાડી તેની ગણતરી કરાશે. પ્રથમ તબક્કા માટે 63 ટેબલ પર મત છુટા પાડવાની કામગીરી કરાશે. જ્યારે બીજા તબક્કા માટે 11 ટેબલ પરથી ઉમેદવારના મત છુટા પાડી ગણતરી કરાશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની 7 બેઠકો માટે શનિવારે મતદાનની કાર્યવાહી પુર્ણ થયા બાદ રાજ્યના તમામ જિલ્લાઓમાંથી મતપેટીઓ ગાંધીનગર જિલ્લાના રૂપાલ ખાતે વરદાયીની હાઈસ્કૂલ ખાતે મતગણતરી માટે ઉભા કરવામાં આવેલા સ્ટ્રોંગરૂમ ખાતે લાવવામાં આવી હતી. જ્યાં પોલીસની હાજરીમાં સ્ટ્રોંગરૂમ સીલ કરવામાં આવ્યા હતા. હવે 28 સપ્ટેમ્બરના રોજ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ કરવામાં આવશે. આમ, આ વખતે બોર્ડ દ્વારા ગાંધીનગરના બદલે રૂપાલ ખાતે મતગણતરી કરવાનું નક્કી કરાયું છે.
મતગણતરીનું સ્થળ ગાંધીનગરથી રાંધેજા માર્ગ પર 12 કિ.મી.ના અંતરે આવેલું છે. મતગણતરીના દિવસે ઉમેદવારોએ તેઓને મતદાનના દિવસ માટે ઈશ્યુ કરેલા ઓળખપત્ર સાથે આવવાનું રહેશે તેમ બોર્ડ દ્વારા જણાવાયું છે. મતગણતરીની સમગ્ર પ્રક્રિયા એક જ હોલમાં કરવામાં આવશે. મતગણતરીની પ્રક્રિયા બે તબક્કામાં કરવામાં આવનાર હોવાની જાહેરાત પણ બોર્ડ દ્વારા કરાઈ છે. જેમાં પ્રથમ તબક્કામાં મતદાન મથકથી કાપડની થેલીઓમાં સીલબંધ મળેલી મતપેટીઓમાંથી મતપત્રોનું ખંડવાર જુદા પાડવાની કાર્યવાહી કરવામાં આવશે. જ્યારે બીજા તબક્કામાં ખંડવાર મતપત્રો જુદા પાડ્યા પછી ઉમેદવાર મુજબ મતપત્રો છુટા પાડી તેની ગણતરી કરવામાં આવશે.

7 બેઠકો માટે મતગણતરી બે તબક્કામાં થનાર છે. જેમાં પ્રથમ તબક્કામાં 63 ટેબલ પરથી મતપત્રોનું વિભાજન કરવામાં આવશે. જેમાં વધુ મતદારો ધરાવતા ખંડ માટે 10 ટેબલો ફાળવવામાં આવ્યા છે. આ કાર્યવાહી પુર્ણ થયા બાદ બીજા તબક્કાની મતગણતરીમાં 11 ટેબલ પરથી ખંડવાર ઉમેદવારોના મતની ગણતરી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. આમ, સૌથી અગત્યના પ્રથમ તબક્કાની કામગીરી પુર્ણ થયા બાદ બીજા તબક્કામાં ઝડપથી મતગણતરી થશે તેમ સુત્રોએ જણાવ્યું હતું. મતગણતરી સ્થળ પરની તમામ કામગીરીનું CCTV કેમેરાથી રેકોર્ડીંગ કરવામાં આવનાર હોવાનું પણ બોર્ડ દ્વારા જણાવાયું છે

(10:49 pm IST)