Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

વિરમગામમાં રચાયો ઇતિહાસ : શ્રી બજરંગ મંડળ જીઆઇડીસી વિરમગામ દ્વારા દોઢ લાખથી વધુ હનુમાન ચાલીસા અનુષ્ઠાન મહાયજ્ઞ કરાયો

સાધુ સંતો સહિત 6000 થી વધુ રામભક્તો ઉપસ્થિત રહ્યા : સમગ્ર વિરમગામ પંથક હનુમંત ભક્તિમાં લીન બન્યું : શ્રી બજરંગ મંડળ જીઆઇડીસી વિરમગામ દ્વારા સૌ રામ ભક્તોને ગામે-ગામ શેરીએ-શેરીએ હનુમાન ચાલીસા કરવા આહવાન કરાયું

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામના શેઠ એમ.જે.હાઇસ્કુલના આંગણે ઇતિહાસ રચાયો હતો. શ્રી બજરંગ મંડળ જીઆઇડીસી વિરમગામ દ્વારા "દોઢ લાખથી વધુ હનુમાન ચાલીસા અનુષ્ઠાન મહાયજ્ઞ" કરાયો હતો. સાધુ સંતો સહિત 6000 થી વધુ રામભક્તો ઉપસ્થિત રહ્યા અને સમગ્ર વિરમગામ પંથક હનુમંત ભક્તિમાં લીન બન્યું હતું. શ્રી બજરંગ મંડળ જી.આઈ.ડી.સી. વિરમગામ દ્વારા  સવા લાખ હનુમાન ચાલીસા સર્વ પિતૃઓના મોક્ષ અર્થે અને પંથકના કલ્યાણ માટે નિઃસ્વાર્થ ભાવથી આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તેનાથી પણ વધુ 6,000 થી વધુ રામ ભક્તો ઉપસ્થિત રહ્યા અને દોઢ લાખથી પણ વધુ હનુમાન ચાલીસા મના પાઠ કર્યા હતા. પંથક અને વિરમગામ શહેરના સૌ રામભક્તોએ આ ભવ્ય - આધ્યાત્મિક કાર્યક્રમને ખભે ઉપાડી લીધો‌ અને રજિસ્ટ્રેશનની સંખ્યા 6000થી‌ વધુ થઈ ગયેલ હતી. દરેક વિસ્તારના લોકો, દરેક જ્ઞાતિના અગ્રણીઓ, સામાજિક સેવાકીય સંસ્થાઓનો આ અનુષ્ઠાન મહાયજ્ઞને સાથ અને સહકાર મળ્યો અને આવેલ સૌ ભકતજનો 27-27 હનુમાન ચાલીસા કર્યા એટલે 1.5 લાખ થી વધુ હનુમાન ચાલીસા કર્યા  અને પિતૃઓના મોક્ષ અને પંથકના કલ્યાણ માટે કમળકાકડીની યજ્ઞકુંડમાં આહુતિ આપીને સમર્પિત કરવામાં આવી. આવનાર સૌને હનુમાન ચાલીસાની લેખિત પ્રત, પાણીની બોટલ, ભોજન પાસ અને ચપ્પલ મૂકવાની પ્લાસ્ટિકની થેલી આપવામાં આવી હતી.  જગન્નાથ મંદિર - અમદાવાદથી પ.પૂ. મહંત શ્રી દિલીપદાસ બાપુ, શ્રી રામમહેલ મંદિરથી રામકુમાર દાસ બાપુ, વનથલ થી પ.પૂ. ભાર્ગવદાસ  બાપુ, કમીજલા થી શ્રી જાનકીદાસ બાપુ, સોકલી થી શ્રી રઘુદાસ બાપુ, પંચમુખી હનુમાનજી મંદિરથી શ્રી રઘુનંદનદાસ બાપુ, કથાકાર શ્રી રાજેન્દ્રકુમાર શાસ્ત્રી સહિતના સંતો મહંતોની નિશ્રામાં આ અલૌકિક અને ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો. સૌ ભક્તજનો ભજનની સાથે સાથે ભોજન પણ લીધું હતું. શ્રી બજરંગ મંડળ જીઆઇડીસી વિરમગામ દ્વારા સૌ રામ ભક્તોને ગામે-ગામ શેરીએ-શેરીએ હનુમાન ચાલીસા કરવા આહવાન કરાયું હતું. વિરમગામ શહેર અને પંથકના દરેક મહોલ્લા, શેરી, સોસાયટી અને ગામે ગામથી દરેક જ્ઞાતિના સૌ રામ ભક્તો જોડાયા હતા. આ ભવ્ય દિવ્ય અલૌકિક આધ્યાત્મિક અભૂતપુર્વ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી બજરંગ મંડળ જીઆઇડીસી વિરમગામના કાર્યકર્તાઓ સહિત રામ ભક્તોએ જહેમત ઉઠાવી હતી.

(12:00 pm IST)