Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

કેન્‍દ્રીય ચૂંટણી પંચની ટીમ ગાંધીનગરમાં : કલેકટરો સાથે બેઠક : તૈયારીને વધુ વેગ

રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ બેઠકમાં ભાગ લેવા પહોંચ્‍યા

ગાંધીનગર, તા. ૨૬:  રાજયમાં આગામી ૩ માસમાં યોજાનારી  વિધાનસભાની ચૂંટણી માટેનું કાઉન્‍ટ ડાઉન શરૂ થઈ ગયું છે. તે સાથે જ કેન્‍દ્રીય ચૂંટણી પંચની ટીમ આજથી ૨ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી છે. કેન્‍દ્રીય ચૂંટણી પંચની ટીમ ગાંધીનગર લીલા હોટેલ ખાતે આગમન થયું છે.

આ વખતે કેન્‍દ્રીય ચૂંટણી પંચ રાજ્‍યના તમામ ૧૬ જેટલા  ડેલીગેશન્‍સ ગાંધીનગર પહોંચી ગયા છે અને કેન્‍દ્રીય ચૂંટણી પંચનું ડેલીગેશન તમામ કલેક્‍ટર સાથે બેઠક કરવાનું છે. આ કારણે તમામ કલેક્‍ટર અને કેન્‍દ્રીય ચૂંટણી પંચ બેઠક માટે ગાંધીનગર લીલા હોટેલમાં પહોંચ્‍યા છે. રાજકોટ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુપણ પહોંચ્‍યા છે.

ચૂંટણીપંચની ગુજરાત મુલાકાત બાદ કોઈ પણ સમયે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે. દેશના મુખ્‍ય ચૂંટણી કમિશનર રાજીવ કુમાર અને અનુપ ચંદ્રા આજે ગુજરાતની મુલાકાતે છે. ૨ દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ વિવિધ રાજકીય પાર્ટીઓ સાથે બેઠક કરશે અને ચૂંટણી વ્‍યવસ્‍થા અંગે પણ બેઠક યોજેલ છે.

વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી દરેક રાજકીય પાર્ટીના રાષ્‍ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત વધી રહી છે. આ બધા વચ્‍ચે કેન્‍દ્રીય ચૂંટણી પંચે પણ તૈયારીઓનો ધમધમાટ વધાર્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચની ટીમ આ પહેલા પણ બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવી હતી. તે સમયે તેમણે તમામ જિલ્લા કલેક્‍ટર્સ અને પોલીસ વડાઓ સાથે બેઠક યોજી હતી. 

(6:14 pm IST)