Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાઠી-ક્ષત્રિય સમાજનો ગાંધીનગર ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો

કાઠી-ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું અભિવાદન કર્યું :ગુજરાત સરકારનું આર્થિક વ્યવસ્થાપન નીતિ આયોગના અહેવાલ પ્રમાણે દેશમાં સર્વ શ્રેષ્ઠ:વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં દેશ અને ગુજરાતનું અર્થતંત્ર ફૂલી-ફાલી રહ્યું છે: મુખ્યમંત્રી

અમદાવાદ : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું છે કે, ગુજરાત સરકારનું આર્થિક વ્યવસ્થાપન નીતિ આયોગના અહેવાલ પ્રમાણે દેશમાં સર્વશ્રેષ્ઠ છે. આ વર્ષનું સરકારનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ડબલ એન્જિનની સરકારને પરિણામે ગુજરાત વિકાસના માર્ગે તેજ ગતિએ આગળ વધી રહ્યું છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગર ખાતે આયોજિત કાઢી-ક્ષત્રિય સમાજના સ્નેહમિલન કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા. કાઠી-ક્ષત્રિય સમાજના અગ્રણીઓએ મુખ્યમંત્રીનું ભાવસભર અભિવાદન કર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન મોદીજીના નેતૃત્વમાં દેશ અને ગુજરાતનું અર્થતંત્ર ફૂલી-ફાલી રહ્યું છે. તાજેતરના અહેવાલ મુજબ ભારતે બ્રિટનને પાછળ રાખી વિશ્વની પાંચમી સૌથી મોટી ઈકોનોમીનું સ્થાન મેળવી લીધું છે.
આ સંદર્ભે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં સરકારનો જનહિતકારી અભિગમ-સરકારનું સુશાસન જનતા 20 વર્ષથી અનુભવી રહી છે, તો છેલ્લા આઠ વર્ષથી કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોના વિકાસલક્ષી સંયુક્ત પ્રયાસોને પણ લોકોએ જોયા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોરોના મહામારી દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકારોએ કોવિડ નિયંત્રણ, વ્યાપક રસીકરણ અને સારવારના જે પગલાં લીધાં તેની નોંધ વિશ્વના દેશોએ પણ લીધી છે. નિઃશુલ્ક વેક્સિનેશન સાથે કોરોનાના કપરા સમયમાં કોઈએ ભૂખ્યા ન સૂવું પડે, તે માટે વડાપ્રધાનએ નિઃશુલ્ક અનાજનું પણ વિતરણ કર્યું.
આ સંદર્ભે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, વડાપ્રધાન મોદીના માર્ગદર્શનમાં ગુજરાતમાં સરકારનો જનહિતકારી અભિગમ-સરકારનું સુશાસન જનતા 20 વર્ષથી અનુભવી રહી છે, તો છેલ્લા આઠ વર્ષથી કેન્દ્ર અને રાજ્ય બન્ને સરકારોના વિકાસલક્ષી સંયુક્ત પ્રયાસોને પણ લોકોએ જોયા છે.
મુખ્યમંત્રીએ કહ્યું કે, કોઈ પણ સમાજના ઉત્કર્ષ માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. સમાજમાં શિક્ષણ જેટલું વધશે, તેનો વ્યાપ વધશે તેટલી સમાજની પ્રગતિ થશે. ગુજરાત સરકારે સૌ સમાજને સાથે લઈ ચાલવાની નીતિ-રીતિ અપનાવી રાજ્યના વિકાસની કેડી કંડારી છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોજનાઓના સેચ્યુરેશનનો એક નવતર વિચાર આપણને આપ્યો છે. સરકારી યોજનાઓને 100 ટકા લાભાર્થીઓ સુધી પહોંચાડીને પરિપૂર્ણ કરવાની પ્રણાલી નરેન્દ્રભાઈના માર્ગદર્શનમાં આપણે શરૂ કરી છે
ચોટિલાના દેવસર ખાતે આવેલા સુરજ-દેવળ મંદિરના વિકાસકામ માટે રાજ્ય સરકાર દ્વારા આર્થિક અનુદાનની રકમ ફાળવવા બદલ કાઠી-ક્ષત્રિય સમાજે અભિનંદન ઠરાવ મુખ્યમંત્રી સમક્ષ રજૂ કર્યો હતો.
આ પ્રસંગે મહંત શ્રી મહાવીર બાપુ, શ્રી દાદા બાપુ, શ્રી બાબુભાઈ જેબલિયા, બક્ષીપંચ મોરચાના પૂર્વ અધ્યક્ષ શ્રી ભગવાનદાસ પંચાલ ઉપરાંત ભૂપેન્દ્ર બસિયા, મયુર માંજરિયા,  રણજિત વાંક સહિતના કાઠી-ક્ષત્રિય સમાજના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

 

(7:40 pm IST)