Gujarati News

Gujarati News

News of Monday, 26th September 2022

પ્રથમ નોરતે ફરી વખત સરદાર સરોવર નર્મદા ડેમ છલકાયો :ડેમના 23 દરવાજા 98 સેમી ખોલી નખાયા

1 લાખ 80 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું: ડેમમાં ઉપરવાસમાંથી 2 લાખ 44 હજાર 775 ક્યુસેક પાણીની આવક

અમદાવાદ : ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ પ્રથમ નોરતે ફરી એક વાર છલકાઈ ગયો છે અને ડેમ છલકાતા નર્મદા ડેમના 23 દરવાજા 98 સેમી ખોલી નાખવામાં આવ્યા હતા તેમજ 1 લાખ 80 હજાર ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવ્યું છે. વરસાદની ચાલુ સીઝનમાં બીજી વખત ડેમ છલકાયો છે. ડેમમાં ઉપરવાસમાંથી 2 લાખ 44 હજાર 775 ક્યુસેક પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમ છલકાતા રિવરબેડ પાવર હાઉસ થકી દરરોજનું 3 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે.

ઓગસ્ટ મહિનાની 12 તારીખે નર્મદા ડેમમાં પ્રથમવાર સપાટી 133.51 મીટર પર પહોંચી હતી તો 15 સપ્ટેમ્બરના રોજ નર્મદાની જળસપાટી 138.68 મીટર પર પહોંચતા પ્રથમ વખત સરદાર સરોવર ડેમ છલકાતા રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર ભાઈ પટેલ  શાસ્ત્રોક્ત વિધિ સાથે નર્મદા નીરના વધામણા કર્યા હતા.

નોંધનીય છે કે આજે આદ્ય શકિતના આરાધના પર્વના પ્રથમ નોરતે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદ થયો છે અને નર્મદામાં ઉપરવાસના પાણીની આવક થતા ડેમ છલકાયો હતો. સાંજના સમયે નર્મદા જિલ્લાના તિલકવાડામાં ઘણો વરસાદ થયો હતો અને વરસાદ પડતાં વાતાવરણમાં ઉકળાટ બાદ ઠંડક પ્રસરી ગઈ હતી. આજથી નવરાત્રીનો પ્રારંભ થઇ ગયો છે. યુવા હૈયાઓ ગરબાના તાલે ઝુમવા થનગની રહ્યા છે.

 

(10:29 pm IST)