Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

ગાંધીનગરમાં રિક્ષામાં મુસાફરને બેસાડી બે ભાઈઓને લૂંટી લેનાર ત્રણ શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ

ગાંધીનગરરીક્ષામાં મુસાફરોને બેસાડીને લુંટારૃ ટોળકીઓ લુંટ ચલાવતી હોય છે ત્યારે અમદાવાદના મકરબા ખાતેથી બે ભાઇઓને રીક્ષામાં બેસાડીને ત્રણ શખ્સો ગાંધીનગર સેક્ટર-૨૮ના બગીચા પાસે લુંટી ભાગી રહ્યા હતા ત્યારે કાર ચાલકે પીછો કરીને બે શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે એક ભાગી જવામાં સફળ રહ્યો હતો. આ મામલે એકઠા થયેલા લોકોએ લુંટારૃઓને મેથીપાક પણ ચખાડયો હતો. હાલ સે-૨૧ પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર અને અમદાવાદમાં રીક્ષાઓમાં કેટલાક અસમાજીક તત્વો મુસાફરોને બેસાડી તેમના કિંમતી માલસામાનની ચોરી - લુંટ કરી રહ્યાં છે ત્યારે ગઇકાલે પણ આવી જ એક ઘટના બની હતી. અમદાવાદના મકરબા પાસે પાર્ટી પ્લોટમાં કામ કરતો રાજસ્થાનનો યુવાન હરિશ રમેશજી મીણા અને તેનો નાનો ભાઇ ગણેશ વતનમાં જવા માટે રોડ પર ઉભા હતા. આ દરમિયાન એક રીક્ષા ત્યાં આવી હતી અને મોટા ચિલોડા જવાની વાત કરતાં ૨૦૦ રૃપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. રીક્ષાચાલકની સાથે રીક્ષામાં અન્ય બે શખ્સો પણ બેઠા હતા. આ બંને ભાઇઓને પાછળની બાજુ બેસાડવામાં આવ્યા હતા અને વૈષ્ણવદેવીથી થઇને આ રીક્ષા ગાંધીનગર શહેરના સેક્ટર-૨૮ના બગીચા પાસે રાત્રે ૧૧ વાગે પહોંચી હતી. જેમાંથી આ ત્રણેય શખ્સો નીચે ઉતર્યા હતા અને રીક્ષા પાછળ જઇને વાતચીત કરી હતી અને આ દરમિયાન બંને ભાઇઓની ફેંટ પકડીને આ શખ્સોએ રૃપિયા કે અન્ય ચીજવસ્તુઓ આપી દેવા ધમકી આપી હતી આ દરમિયાન ગણેશને ગળાના ભાગે બ્લેડ પણ મારી હતી. આ દરમિયાન ગણેશ રીક્ષામાંથી કુદી ગયો હતો.  હરીશના ખિસ્સામાંથી ૧૦ હજાર રૃપિયા અને અન્ય ચીજવસ્તુઓ લઇને આ શખ્સો રીક્ષા હંકારી દીધી હતી અને રસ્તામા હરીશને ફેંકી દીધો હતો. બુમાબુમને પગલે એક કાર ચાલકે રીક્ષા ચાલકનો પીછો કર્યો હતો અને રીક્ષાને ઉભી રાખી દીધી હતી. જેથી તેમાં સવાર એક શખ્સ ભાગી ગયો હતો જ્યારે બે પકડાઇ ગયા હતા. જેમને એકઠા થયેલાં લોકોએ મેથીપાક પણ ચખાડયો હતો. આ ઘટના અંગે સેક્ટર-૨૧ પોલીસે ગુનો દાખલ કરીને અમદાવાના નરોડાના ગણેશ એપાર્ટમેન્ટમાં રહેતાં વિરાજ ઉર્ફે દુર્લભ દિલાવરસિંહ રાજપુત અને રોહિત બાબુભાઇ કોળી રહે. હનુમાન મંદિર પાસે બાપુનગર અમદાવાદની ધરપકડ કરી હતી. જ્યારે સીતારામ નામના શખ્સની શોધખોળ આદરી છે.

(5:34 pm IST)