Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

ગુરૂવારે મોડી રાત્રે ગુજરાત સરકારે કર્યો મહત્વનો આદેશ

કોરોનામાં માત્ર ૧૦ દિવસમાં સહાય ચૂકવાશે

મહેસૂલ વિભાગે રાજયના તમામ કલેકટર સહિત સબંધિત સરકારી વિભાગોને આ આદેશ આપ્યો : SDRFમાંથી સહાયની રકમ ચૂકવવામાં આવશે : સહાય માટે જારી કરવામાં આવેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ તથા એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિની એફિડેવિટ તથા બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે

અમદાવાદ તા. ૨૬ : ગુજરાત સરકારે ગઇકાલે મોડી રાત્રે આદેશ જારી કરીને કોરોનાને કારણે મૃત્યુ પામેલાઓના વારસદારને અરજીના માત્ર ૧૦ દિવસમાં જ સહાયની ચૂકવણી કરી દેવાની સૂચના આપી હતી. મહેસૂલ વિભાગે રાજયના તમામ કલેકટર સહિત સબંધિત સરકારી વિભાગોને આ આદેશ આપ્યો છે. જે અંતર્ગત SDRFમાંથી સહાયની રકમ ચૂકવવામાં આવશે. સહાય માટે જારી કરવામાં આવેલા નવા ફોર્મમાં અરજદારના નામ, મોબાઇલ નંબર, આધાર નંબર, કોરોના મૃતક સાથેના સંબંધ તથા એકથી વધુ વારસદારના કિસ્સામાં અન્ય વારસદારની સંમતિની એફિડેવિટ તથા બેન્ક ખાતાની વિગતો માગવામાં આવી છે.

આદેશની સાથે એક ફોર્મ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું. આ ફોર્મમાં માગવામાં આવેલી વિગતો મેળવીને માત્ર ૧૦ દિવસમાં સહાયની ચૂકવણી કરવા જણાવાયું હતું. સાથે જ પાટનગર ગાંધીનગરના ૬૧ કોરોના સહાય લાભાર્થીઓનુ લિસ્ટ પણ જાહેર કરાયુ છે. આ મામલે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. જેના બાદ ગુજરાત સરકારને આ આદેશ કરવાની ફરજ પડી છે.

અમદાવાદમાં સિટી સિવિક સેન્ટર પર કોરોના સહાય ફોર્મ જમા કરાવવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ડેથ સર્ટિફિકેટમાં કોરોનાનો ઉલ્લેખ ના હોય તેવા લોકો માટે અલગથી ફોર્મ વિતરણ કરવામા આવે છે. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારજનો માટે કેન્દ્ર સરકારે સહાય ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યા છે..જેમાં અમદાવાદમાં ૬૦ સિવિક સેન્ટરો પરથી ફોર્મ વિતરણ કરવામાં આવે છે..અમદાવાદમાં અત્યાર સુધીમાં મોતનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી. પરંતુ ૬૦ સિવિક સેન્ટરો પર કુલ ૧૫ હજાર ફોર્મ મૂકવામાં આવ્યા છે. અમદાવાદ કોર્પોરેશનએ ૩,૩૫૭ લોકો કોરોનાથી મૃત્યુ પામ્યાનો દાવો કર્યો છે પરંતુ છેલ્લા એક અઠવાડિયાથી મોટી સંખ્યામાં લોકો અરજીઓ જમા કરાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં હવે કોરોનાએ ફરી માથુ ઉચકયુ છે. ગત ૨૪ કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના નવા ૩૧ કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં ૧૦, વડોદરામાં ૮, સુરતમાં ૩ અને રાજકોટમાં ૧ નવા કેસ નોંધાયા છે. અમેરિકા અને યુરોપના અન્ય દેશોની પરિસ્થિતિ જોઈને જ ભારતમાં પણ કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. ભારતમાં પણ કોરોના ફરીથી માથું ઉચકી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યાં છે. ૧૩ રાજયોને કેન્દ્ર સરકારે પત્ર લખીને ટેસ્ટિંગનો દર વધારવાની સુચના આપી છે. કોરોનાના નવા વેરિઅન્ટને લઈ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ તમામ રાજયોને પત્રથી જાણ કરી છે. રાજયોના મુખ્ય સચિવ અને આરોગ્ય સચિવને પત્ર લખીને સાઉથ આફ્રિકામાં મળેલા નવા વેરિઅન્ટની માહિતી અપાઈ છે. નવા વેરિઅન્ટવાળા દેશમાંથી આવતા પ્રવાસીઓ પર નજર રાખવા તથા પ્રવાસીઓના ટેસ્ટિંગ અને ટ્રેસિંગ કરવાની સૂચના અપાઈ છે. આ વેરિઅન્ટ ઝડપથી ન ફેલાય તે માટેની સૂચના અપાઈ છે.

(10:10 am IST)