Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

દરરોજ ૫૦ વ્યકિતને કુપન આપી સન્માન કરશે વડોદરા પોલીસ : નવતર પ્રયોગ ૧ વર્ષ ચાલશે

ટ્રાફિક નિયમોનું પાલન કરો અને જીતો ૧૦૦ રૂ. નું પેટ્રોલ કુપન : વડોદરામાં ટ્રાફિક ચેમ્પ અભિયાનનો પ્રારંભ

વડોદરા તા. ૨૬ : ટ્રાફિક નિયમોનું પાલન થાય અને ટ્રાફિક વ્યવસ્થા જળવાય એ માટે વડોદરા પોલીસ નવા આઈડિયા સાથે આવી છે. ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારને દંડ થયાનું તો તમે સાંભળ્યું હશે. પરંતુ ટ્રાફિક નિયમોનું પાલન કરનારના સન્માન વિશે કયારેય સાંભળ્યું છે? હા હવે વડોદરામાં ટ્રાફિકના નિયમોનું પાલન કરનાર વ્યકિતનું સન્માન કરાશે. માત્ર સન્માન જ નહીં પરંતુ આવા વ્યકિતઓને ઇનામ પણ આપવામાં આવશે.

ટ્રાફિક નિયમનું પાલન કરનાર ૫૦ વ્યકિતને રોજ ૧૦૦ રૂપિયાની પેટ્રોલની કુપન આપી સન્માન કરવામાં આવશે. વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવા માટે ટ્રાફિક ચેમ્પ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સ્કીમ એક વર્ષ સુધી ચાલુ રાખવામાં આવશે. પોલીસ કમિશનરે કહ્યું કે વડોદરા શહેરની ટ્રાફિક વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા આ સ્કીમ ચાલુ કરાશે. અને જે વ્યકિત ટ્રાફિકના નિયમ પાળશે તેની પસંદગી કરાશે અને દરરોજ ૫૦ વ્યકિતઓને કૂપન આપવામાં આવશે.આ સ્કીમ મુજબ દરરોજ ટ્રાફિકનું પાલન કરતા ૫૦ લોકોનું સમ્માન કરવામાં આવશે. તેમજ તેમને ઇનામ રૂપે પેટ્રોલની કુપન પણ આપવામાં આવશે. આ સ્કીમ વડોદરા શહેરમાં એક વર્ષ સુધી ચલાવવામાં આવશે.

(2:49 pm IST)