Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

મહંત બટુક મોરારીની પોલીસે કરેલી અટકાયત

મુખ્યમંત્રી પાસે એક કરોડ માંગવાનો મામલો : બનાસકાંઠાના વાવના કથાકાર મહંત બટુક મોરારીએ એક વિડીયો વાયરલ કરીને રૂપિયા માગ્યા હતા

મહેસાણા, તા.૨૬ : વાવના મહંત બટુક મોરારીએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. આ મામલે પોલીસ પણ સક્રિય થઈ હતી. જે બાદ એલસીબી પોલીસે મહંત બટુક મોરારીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહત્વનું છે કે, મહંત બટુક મોરારીએ એક વિડીયો વાયરલ કરીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે એક કરોડ રૂપિયાની ખંડણી માગી હતી. તેઓએ વાયરલ કરેલા વિડીયોમાં એવી ધમકી આપી હતી કે, જો ૧૧ દિવસમાં તેમને ૧ કરોડ રૂપિયાની દક્ષિણા નહીં મળે તો ગુજરાતમાં પટેલનું રાજ નહીં રહે. જે બાદ પોલીસ હરકતમાં આવી હતી અને આખરે મહંત બટુક મોરારીની અટકાયત કરવામાં આવી છે. બનાસકાંઠાના વાવના કથાકાર મહંત બટુક મોરારીએ આ વિડીયો ગઈ કાલે વાયરલ કર્યો હતો. સોશિયલ મીડિયા પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધમકી આપતો વિડીયો વાયરલ થયા બાદ એલસીબીએ તેમની અટકાયત કરી છે. એલસીબી પોલીસે મહંત બટુક મોરારીની રેવદરના દાંતરાઈ ગામ નજીકથી અટકાયત કરી છે. બનાસકાંઠા એલસીબી અને વાવ-થરાદ પોલીસની સંયુક્ત કામગીરીમાં આ અટકાયત કરવામાં આવી છે. બટુક મોરારીએ સોશિયલ મીડિયા પર વિડીયો પોસ્ટ કર્યો હતો. વિડીયોમાં બટુક મોરારીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. જો રૂપિયા પહોંચાડવામાં નહીં આવે તો અકસ્માતની પણ ધણકી આપી હતી.

બટુક મોરારીએ વિડીયો વાયરલ કરીને ધમકી આપી હતી કે, ૧૧ દિવસની અંદર ૭ તારીખ સુધીમાં ૧ કરોડ રૂપિયા મને ગમે ત્યાંથી મોકલાવી દેજો. નહીં તો ગુજરાતમાં પટેલને રાજ નહીં કરવા દઉં. મુખ્યમંત્રીને ધમકી આપાત કહ્યું હતું કે, તમે પણ અકસ્માતમાં માર્યા જશો. તમને ગાદીએ બેસાડ્યા એટલે એક કરોડની દક્ષિણા પહોંચાડી દેજો, સમજ્યા ૧ કરોડ. એક રૂપિયો ઓછો નહીં. આજે ૨૫ તારીખ થઈ છે, એટલે ૫મી તારીખ સુધીમાં ગમે તે માણસને મોકલીને મને ૧ કરોડ રૂપિયા મોકલાવી દેજો. એટલે ગુજરાતની ગાદી પટેલોની રહેશે, નહીં તો ત્રણ મહિનાની અંદર ઉપાડીને ફેંકી દઈશ. બટુક મોરારી બાપુ બોલુ છું, મહેશ ભગત.

મહત્વનું છે કે, બટુક મોરારીએ એકદમ તોછડી ભાષામાં રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને આ ધમકી આપી હતી.

(8:42 pm IST)