Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

પાલનપુરના માલણ જતા રોડ નજીક કચરાની ડમ્પિંગ સાઈટ સ્થાનિક લોકો માટે આફત બની

પાલનપુર:શહેરનો જાહેર તેમજ ડોર ટૂ ડોર ધન કચરાનો શહેરના માલણ રોડ પર આવેલી ડમ્પિંગ સાઇટ પર ઠાલવવામાં આવી રહ્યો હોય અહીં રીતસર ગંદકી અને કચરાના પહાડ ખડકાયા છે. જેમાં મૃતપશુ અને ગંદકી છેક જાહેર રોડ પર આવી જતા અહીં માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાવાથી આ વિસ્તારની ૧૫થી વધુ સોસાયટીના રહીશોના આરોગ્ય પર ખતરો તોળાઇ રહ્યો છે. જોકે આ ડમ્પિંગ સાઈટની ગંદકી દૂર કરવા અથવા અન્યત્ર ખસેડવા સ્થાનિકો દ્વારા અવાર નવાર રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ નગરપાલિકા ડમ્પિંગ સાઇટની ગંદકી મામલે આંખ આડા કાન કરી રહી હોઈ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. જોકે માલણ જતા મુખ્ય માર્ગ પર પણ ગંદકી ઢગ ખડકાતા ૧૦ થી ૧૨ જેટલા ગામડાઓનો સાંકળતો માર્ગ બંધ થઇ જવાથી વાહન  ચાલકોને પણ મુશ્કેલી ઉભી થઈ છે. તેમ છતાં નગરપાલિકા દ્વારા કોઈજ પ્રકાર ની કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ છવાયો છે. જોકે નગર પાલિકા દ્વારા આ ગંદકીના ડુંગરાને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં નહિ આવે તો ગંદકીની તીવ્ર દુર્ગંધથી પરેશાન રહીશોએ ગાંધીનગર  આરોગ્ય મંત્રીને રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.

(5:51 pm IST)