Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

વડોદરા નજીક અંપાડ ગામે વીજ થાંભલો પડતા દાદા-પૌત્ર દબાયા:દાદાનું મોત

વડોદરા:શહેર નજીકના અંપાડ ગામે  ઝાડ પડવાથી નમી  ગયેલા વીજકંપનીના થાંભલાને એમ.જી.વી.સી.એલ.નો સ્ટાફ ઉતારવાની કામગીરી કરતો હતો.તે દરમિયાન અચાનક થાંભલો પડતા સાયકલ લઇને જતા વૃદ્ધ દબાઇ ગયા હતા.અને છાતીમાં ગંભીર ઇજા થતા તેમનું મોત થયું હતું.

અંપાડ ગામે રહેતા નટુભાઇ કાભયભાઇ સોલંકી (ઉ.વ.૭૦) ખેતીકામ કરે છે.આજે સવારે તેઓ સાયકલ પર છ વર્ષના ભત્રીજાને બેસાડીને ચારો લેવા જતા  હતા.અંપાડ ગામ ચાર રસ્તા પાસે આવેલા નવા ગેટની નજીક આજે સવારે લીમડાનું એક ઝાડ પડી જતા વીજલાઇનનો થાંભલો નમી  પડયો હતો.જેથી,આ થાંભલાને નીચે ઉતારવા માટે બે લાઇનમેન આવ્યા હતા.એક લાઇનમેન થાંભલા  પર ચડીને કામ કરતો હતો.ત્યારે અચાનક થાંભલો પડયો હતો.અને ત્યાંથી સાયકલ લઇને પસાર થતા નટુભાઇ સાયકલ સાથે દબાઇ ગયા હતા.નટુભાઇને છાતીના ભાગે  ગંભીર ઇજા થતા તેઓનું મોત થયું હતું.જ્યારે છ વર્ષના માસુમ બાળકને  પણ આંખ પાસે ઇજા થઇ હતી. ઉલ્લેખનીય છે કે,થાંભલાના સમારકામ દરમિયાન વીજકંપની  તરફથી કોઇ નીચે ઉભું રહ્યું હોત તો આ દુર્ધટના ટળી જાત.તાલુકા  પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.

(6:25 pm IST)