Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા લક્ષ્યોને સાકાર કરવા ગુજરાત પૂરજોશથી પ્રતિબદ્ધ છે: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

ગતિશક્તિ ઝોનલ કોન્ફરન્સમાં મુખ્યમંત્રીનું પ્રેરક સંબોધન:ગુજરાત-રાજસ્થાન-મહારાષ્ટ્ર-મધ્યપ્રદેશ-ગોવા રાજ્યો-કેન્દ્રશાસિત દમણ અને દીવ પ્રદેશોનો પી.એમ. ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અન્વયે પરસ્પર વિચાર મંથન-આદાન પ્રદાન-વર્કશોપ યોજાયો:કાશ્મીરથી કન્યાકુમારી અને અરુણાચલથી ગુજરાત સુધી દરેકે દેશની શક્તિ વધારવા પોતપોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની છે : કેન્દ્રીય મંત્રી સર્બાનંદા સોનોવાલ

અમદાવાદ :મુખ્યમંત્રી શભુપેન્દ્રભાઈ પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આપેલા વિકાસલક્ષી કોઇપણ લક્ષ્યને સાકાર કરવા ગુજરાત પૂરજોશથી પ્રતિબદ્ધ છે.

એટલું જ નહિ, દેશના આંતરમાળખાકીય વિકાસને અદ્વિતિય શક્તિ અને ગતિ આપવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન આપ્યો છે તેને ગુજરાતમાં પરિપૂર્ણ કરવા રાજ્ય સરકાર કટિબદ્ધ છે.
પ્રધાનમંત્રી ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અંતર્ગત ગાંધીનગર ખાતે યોજાયેલી વેસ્ટ ઝોનલ કોન્ફરન્સમાં સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ ર૧મી સદીને અનુરૂપ આંતરમાળખાકીય વિકાસ માટે સર્વગ્રાહી-હોલિસ્ટીક ગ્રોથનું આગવું વિઝન આ પી.એમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનથી આપ્યું છે.
દીનદયાળ પોર્ટ ટ્રસ્ટ કંડલા અને મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ દ્વારા આયોજિત આ આંતરરાજ્ય કોન્ફરન્સમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન મધ્યપ્રદેશ અને ગોવા રાજ્યો તેમજ કેન્દ્રશાસિત દીવ-દમણ પ્રદેશોના મંત્રીશ્રીઓ, સ્ટેકહોલ્ડર્સ વગેરેએ સહભાગી થઇ સમૂહ વિચાર મંથન કર્યુ હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, અત્યાર સુધી દેશમાં લોજિસ્ટિક ક્ષેત્ર બહુધા ઉપેક્ષિત હતું પરંતુ નરેન્દ્ર મોદીજીએ એક નવા દ્રષ્ટિકોણથી નયાભારતના નિર્માણમાં ગતિશક્તિને જોડવાનો નવો વિચાર આપ્યો છે. આ પ્લાન દેશના લોજિસ્ટીકસ અને ઇન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રની શિકલ-સુરત બદલી નાંખશે. યુવાઓ માટે રોજગારીની નવી તકો અને લોકલ પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ પણ આ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનથી મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
ભુપેન્દ્રભાઈ પટેલે કહ્યું કે, કેન્દ્ર સરકારની આ દૂરંદેશી યોજના રોડ અને રેલવે, વોટર વે અને ઉર્જા જેવા આંતરમાળખાકીય ક્ષેત્રોના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે. પ્રધાનમંત્રીએ આત્મનિર્ભર ભારતનો જે સંકલ્પ કરેલો છે તેમાં આ નેશનલ માસ્ટર પ્લાન નવી દિશા આપશે. વેસ્ટ ઝોનના રાજ્યો સાથે મળી ગતિશક્તિ યોજનાના નિર્ધારિત લક્ષ્યને જલ્દીથી પાર કરશે, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
મુખ્યમંત્રીએ પી.એમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનને અનુરૂપ પરિવહન માળખુ, લોજિસ્ટીકસ સુવિધા અને હેઝલ ફ્રી ટ્રાન્સપોર્ટેશનથી ગુજરાતે લોજીસ્ટિક્સ ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ ઇન્ડેક્ષમાં પ્રથમ ક્રમાંક મેળવવાની હેટ્રીક લગાવી છે તેની પણ ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના કાર્યકાળની શરૂઆતથી જ દેશના વિકાસને- અને પ્રગતિને એક નવી ગતિ અને દિશા પુરી પાડી છે. આવનારા સમયની જરૂરીયાતોને ધ્યાને રાખી અત્યારથી જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા આગામી ૨૫ વર્ષ માટેના ટાર્ગેટ પી.એમ ગતિશક્તિ પ્લાનમાં સેટ કરવામાં આવ્યા છે. તે આપણને પણ આપણા ભાવિ વિકાસ માટેનો દિશાનિર્દેશ આપે છે.
૧૧ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરનો વિકાસ, ગામડાઓમાં ફોર-જી નેટવર્ક, નેશનલ હાઇ-વે નું બે લાખ કિલોમીટર જેટલું વિસ્તરણ, રર૦ નવા એરપોર્ટ, હેલિકોપ્ટર અને વોટર-એરો ડ્રોમનું નિર્માણ, ર૦રપ સુધીમાં દેશની કાર્ગો કેપેસિટીને ૧૭પ૯ મેટ્રીક ટન સુધી લઇ જવી અને ૧૭ હજાર કિ.મી લાંબી નવી ગેસ પાઇપલાઇનો નાંખવાના બહુઆયામી આયોજનો થયા છે તે પણ આપણને નવી દિશા આપશે.  
આ યોજનામાં મલ્ટિમોડલ કનેક્ટિવિટીનો અગત્યનો આયામ ઉમેરવાની વડાપ્રધાનની દીર્ઘદ્રષ્ટિ પાંચ ડ્રિલીયન ડોલર ઇકોનોમી સર કરવામાં નવું બળ આપશે.
મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, લોજિસ્ટિક્સ સેક્ટરને બુસ્ટ-અપ કરવા માટે આ એક અગત્યનું પગલું છે. મલ્ટી મોડલ કનેક્ટિવિટીથી લોજિસ્ટિક સેક્ટરની એફિશિયન્સી વધશે, ખર્ચ ઘટશે અને વૈશ્વિક સ્પર્ધામાં આપણે ટકી શકીશું.
ગુજરાતે આ મહત્વતા સમજીને દેશની પ્રથમ એવી ગુજરાત ઈન્ટિગ્રેટેડ લોજિસ્ટિક એન્ડ લોજિસ્ટિક્સ પાર્ક પોલીસી ૨૦૨૧ બનાવી છે. ગતિ શક્તિ પ્લાન સાથે સુસંગત આ પોલીસી, ઉત્પાદનોના ભાવ ઘટાડવામાં અને ઉત્પાદકોને વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવામાં મદદરૂપ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.
તેમણે વધુમાં કહ્યું કે, ભારત સરકારે પોર્ટ કોમ્યુનિટી સિસ્ટમ, મેજર પોર્ટ ઓથોરિટી બીલ જેવા કાયદાકીય સુધારા કરી લોજીસ્ટીક ક્ષેત્રને ગતિ અને શક્તિ આપવાનો સફળ પ્રયાસ કર્યો છે, તેનો લાભ લેવા ગુજરાત સજ્જ છે. પ્રધાનમંત્રીશ્રીની આ યોજના રોકાણકારો, રોજગાર વાંછુઓ અને વ્યવસાયકારો માટે સુવર્ણ તક છે એમ પણ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે ઉમેર્યું કે, પ્રધાનમંત્રી ગતિશક્તિ માસ્ટર પ્લાન અંતર્ગત નિયત ૧૬ ક્ષેત્રમાં કામ કરવા માટે ગુજરાત પ્રતિબદ્ધ છે.પ્રધાનમંત્રીની દરેક પહેલ-આયોજનને સફળતાના શિખરે લઈ જવા માટે સર્વોત્તમ પ્રયાસો કરવાનો ગુજરાતનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે ને એ પથ પર અમે વધુ તેજ ગતિથી આગળ વધશું.
  મુખ્યમંત્રીએ ગતિશક્તિ માસ્ટરપ્લાન અંતર્ગત ગુજરાતમાં સ્થિત બધા સ્ટેકહોલ્ડર્સને સંપૂર્ણ સહકાર અને સહયોગની ખાતરી આપી હતી.
મુખ્યમંત્રીએ પી.એમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાનની આ ફ્લેગશિપ યોજનાને પરિપૂર્ણ કરવાના પ્રયાસોમાં પશ્ચિમ પ્રદેશના રાજ્યો-પ્રદેશોને એક મંચ પર લાવવા માટે પોર્ટ, શિપિંગ અને વોટરવે  મિનિસ્ટ્રીનો આભાર માન્યો હતો.
કેન્દ્રીય બંદર અને જળમાર્ગ તથા આયુષ મંત્રી સર્બાનંદા સોનોવાલે આ પ્રસંગે ઉદબોધનના પ્રારંભે બંધારણ દિવસની શુભેચ્છાઓ પાઠવી, બંધારણનાં મૂલ્યોની જાળવણી માટે પ્રતિજ્ઞાબદ્ધ થવા જણાવ્યું હતું.
ગાંધીનગર ખાતે આયોજિત ગતિશક્તિ ઝોનલ કોન્ફરન્સના આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવતા તેમણે જણાવ્યું કે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશને વિશ્વમાં સર્વોચ્ચ સ્થાન અપાવવાનું જે લક્ષ્ય નક્કી કર્યું છે, તેમાં આપણે સૌએ જોડાઈ જવાનું છે. વડાપ્રધાનની સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો ચોથો સ્તંભ એટલે સૌનો પ્રયાસ. આ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સાથે મળીને કદમ ઉઠાવવા પડશે.
કેન્દ્રીય મંત્રીએ વધુમાં ઉમેર્યું કે પ્રધાનમંત્રીના ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના મંત્ર થકી જ આજે દરેક ક્ષેત્રમાં પરિવર્તનની સાથે વિકાસ થયો છે અને સૌને સમાન રીતે ગર્વભેર જીવવાનો અવસર પ્રાપ્ત થયો છે.
મંત્રીએ જણાવ્યું કે પીએમ ગતિશક્તિ અંતર્ગત આજે આ આયોજન થકી પશ્ચિમના તમામ રાજ્યો એકસાથે જોડાયા છે. આ જ રીતે કાશ્મીરથી કન્યાકુમારી અને અરુણાચલથી ગુજરાત સુધી દરેક નાગરિકે સમાન રીતે જોડાઈને દેશની શક્તિ વધારવા પોતપોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક નિભાવવાની છે અને આ વિકાસને ગતિ આપવા ટીમ ઇન્ડિયા બનીને કામ કરવાનું છે. જેના કપ્તાન વડાપ્રધાન છે.
તેમણે કહ્યું કે આજે સમગ્ર વિશ્વ ગુજરાતને જાણે છે. વિવિધ ક્ષેત્રે વિકાસ કરીને ગુજરાતે પોતાની શક્તિ બતાવી આ ઓળખ ઊભી કરી છે. આ જ નેતૃત્વ આજે સમગ્ર દેશને મળ્યું છે અને એટલે જ ભારત આજે વિશ્વમાં આગવી ઓળખ ઊભી કરી શક્યો છે. તેમ જણાવી કેન્દ્રીય મંત્રીએ આગામી વાયબ્રન્ટ સમિટ માટે મુખ્મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા સમગ્ર રાજ્ય સરકારને શુભેચ્છાઓ પાઠવી, આજના આ આયોજન બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
કેન્દ્રીય બંદર અને જળમાર્ગ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી શ્રીપાદ નાઇકે જણાવ્યું હતું કે, પીએમ ગતિશક્તિ યોજના લોજિસ્ટિકનો ખર્ચ ઘટાડી સપ્લાય ચેઇનમાં સુધારો કરીને મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટ્સને વધુ સ્પર્ધાત્મક બનાવવા ઉપર કેન્દ્રિત છે, જે અંતર્ગત મલ્ટિમોડલ કનેક્ટિવિટી માટે રૂ.૧૦૦ લાખ કરોડના રાષ્ટ્રીય માસ્ટર પ્લાનની શરૂઆત કરવામાં આવી છે. આ વિઝનરી યોજના દેશના અવિરત વિકાસમાં અતિ મહત્વપૂર્ણ સાબિત થશે, જે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રમાં જ નહિ, સ્કિલ ડેવલપમેન્ટ ક્ષેત્ર તરફ પણ દેશને આગળ લઈ જશે.
તેમણે ઉમેર્યું કે, આ યોજના થકી દેશની પ્રગતિને નવી ગતિ પ્રદાન થશે. જેના થકી તમામ મંત્રાલયના વિભાગ હવે જીઆઇએસ પ્લેટફોર્મના માધ્યમથી ક્રોસ સેક્ટરમાં યોજનાઓની પ્રગતિની કલ્પના, સમીક્ષા અને દેખરેખ રાખવા સક્ષમ રહેશે. સમયાંતરે જમીન ઉપર થઈ રહેલા કામની પ્રગતિ અંગે જાણકારી અપાશે. જેથી સમગ્ર યોજનાની કામગીરીને અદ્યતન બનાવી શકાશે. પોર્ટલ ઉપર નિયમિત રૂપે આ માસ્ટર પ્લાનને આગળ ધપાવવા તથા તેના સંલગ્ન વિવિધ પગલા ભરવા અંગેની પણ જાણકારી મળી રહેશે. પોર્ટલ મારફતે દરેક વિભાગ એકબીજાની ગતિવિધિઓ જોઇ શકશે, જેના થકી યોજનાઓના વ્યાપક અમલીકરણ સમયે મહત્વપૂર્ણ માહિતી પણ મળી રહેશે. તેના માધ્યમથી વિવિધ વિભાગ ક્રોસ સેક્ટરલ ઇન્ટરેક્શનના માધ્યમથી તેમની યોજનાઓને પ્રાથમિકતા આપવા સક્ષમ રહેશે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, આ રાષ્ટ્રીય માસ્ટર પ્લાન વિવિધ અવરોધોની ઓળખ કર્યાં બાદ યોજના તૈયાર કરવામાં વિવિધ મંત્રાલયોને સહાય કરશે. માલને એક સ્થળેથી બીજા સ્થળે લઇ જવા માટે યોજનાનો સમય અને ખર્ચ ઘટાડવા માટે ઉત્તમ માર્ગને પસંદ કરવામાં માર્ગદર્શન પણ અપાશે. પીએમ ગતિશક્તિ દરેક વિભાગની ગતિવિધિની સાથે-સાથે કામગીરીમાં સમન્વય સુનિશ્ચિત કરીને એકંદરે પ્રોજેક્ટને આગળ ધપાવવામાં ઉપયોગી રહેશે. તે ઉપરાંત આ યોજના જીઆઇએસ-આધારિત સ્થાનિક યોજના અને ૨૦૦થી વધુ લેયર્સ સાથે વિશ્લેષણાત્મક ઉપકરણોને એક સાથે સંપૂર્ણ ડેટા પ્રદાન કરશે, જેનાથી અમલીકરણ એજન્સીને વધુ સ્પષ્ટતા મળી રહેશે.
મધ્યપ્રદેશના ઉદ્યોગ-નીતિ અને મૂડીરોકાણ વિભાગના મંત્રી શ્રી રાજ્યવર્ધનસિંહ દત્તિગાંવએ જણાવ્યું કે, ભારતના સર્વગ્રાહી વિકાસ અને 'નયા ભારત'ના નિર્માણ માટે પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન મુખ્ય ચાલકબળ બની રહેશે.
પીએમ ગતિશક્તિ માસ્ટર પ્લાનના કારણે એવા પ્રોજેક્ટ નિર્માણ પામશે જે મધ્યપ્રદેશના ઉત્પાદનોને સરળતાથી ગુજરાતના બંદરો સુધી પહોંચાડી દેશે, મધ્યપ્રદેશના ઉત્પાદકોને આનાથી વૈશ્વિક માર્કેટ સુધીની સરળ પહોંચ પ્રાપ્ત થશે.
પીએમ ગતિશક્તિ નેશનલ માસ્ટર પ્લાન અમલીકરણ માટેના ડેશબોર્ડ અને GIS સુવિધાઓની મંત્રીએ ભરપૂર પ્રશંસા કરી હતી.
કેન્દ્રીય પોર્ટ મંત્રાલયના અધિક સચિવ સંજય બંદોપાધ્યાયે સ્વાગત પ્રવચન કરતા કહ્યુ કે,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમા આતર માળખાકીય સુવિધાઓનો સુગ્રથિત અને સમયસર વિકાસ થાય એ આશય થી શરૂ કરેલ પી.એમ. ગતિશકિત પ્રોજેકટ અંતર્ગત કેન્દ્રસરકાર તથા રાજય સરકારના વિવિધ વિભાગો-સંસ્થાનોના સહયોગથી આયોજન કરાશે.
તેમણે ઉમેર્યુ કે, વિશ્વમા એ જ દેશ સૌથી વધુ વિકસીત બને છે જેની પાસે એફીસીયન્સી હોય સીમિત સોર્સના માધ્યમથી પણ સંકલિત આયોજન થાય તો ચોકકસ વિકાસકામોમાંઝડપ આવી શકે છે આજ મૂળ હેતુ છે આ પ્રોજેકટનો. આજે પોર્ટ એન્ડ શીપીંગ મંત્રાલય દ્વારા ગાંધીનગર ખાતે યોજાઈ રહેલ વેસ્ટર્ન રીજનલ કોન્ફરન્સમાં વિવિધ રાજયોના અધિકારીઓ અને સ્ટેક હોલ્ડર્સ સાથે ચર્ચા સત્રો યોજાશે.
કેન્દ્રીય વાણિજય મંત્રાલયના અધિક સચિવ  અમૃતલાલ મીણાએ વેસ્ટર્ન ઝોનલ કોન્ફરન્સનું આયોજન ગાધીનગર ખાતે યોજવા બદલ રાજય સરકારનો આભાર વ્યકત કરીને પી.એમ.ગતિ શકિત પ્રોજેકટ અંગે પ્રેજન્ટેશન દ્વારા સવિસ્તૃત માહિતી આપી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય વાણિજ્ય મંત્રાલયના અધિક મુખ્ય સચિવ અમૃતલાલ મિણા, કેન્દ્રીય બંદર અને જળમાર્ગ વિભાગના અધિક સચિવ સંજય બંદોપાધ્યાય, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ  કે. કૈલાસનાથન, રાજ્યના બંદર અને જળમાર્ગ વિભાગના અધિક મુખ્ય સચિવ  એમ.કે.દાસ, મુખ્યમંત્રીના સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, FICCI ના કો-ચેરપર્સન ગીતા ગોરડિયા, દિનદયાળ પોર્ટ ટ્રસ્ટનાં અધ્યક્ષ સંજય મહેતા સહિત ઉચ્ચ અધિકારીઓ, પશ્ચિમ ઝોનના રાજ્યોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(6:58 pm IST)