Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

બાળકોને તેમની ભાષામાં વૈવિધ્યસભર વાર્તાઓનો વારસો મળે અને તેમની પ્રારંભિક ભાષા કૌશલ્યોના સ્તરમાં વધારો થાય તેવા પ્રયાસો કરાશે

શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં ગાંધીનગર જીસીઇઆરટી કેમ્પસ ખાતે “બાલવાર્તા વર્ષ ઉજવણી સમિતિ”ની બેઠક યોજાઇ:ગિજુભાઇ બધેકાની સ્મૃતિમાં તેમના જન્મ દિવસ-૧૫મી નવેમ્બરને “બાલવાર્તા દિન” તરીકે તથા આ વર્ષને “બાલવાર્તા વર્ષ” તરીકે ઉજવાશે

અમદાવાદ : ગિજુભાઇ બધેકાની ૧૩૮મી જન્મજયંતિ નિમિત્તે શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ ગિજુભાઇની સ્મૃતિમાં તેમના જન્મ દિવસ- ૧૫મી નવેમ્બરને “બાલવાર્તા દિન” તરીકે ઉજવવા તથા આ વર્ષને “બાલવાર્તા વર્ષ” તરીકે ઉજવવા માટેની જાહેરાત કરી હતી. જે અંતર્ગત આજે એસટીટીઆઇ, જીસીઇઆરટી કેમ્પસ, સેક્ટર ૧૨, ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં “બાલવાર્તા વર્ષ ઉજવણી સમિતિ”ની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ગુજરાતમાં આશરે ૯૦ વર્ષ પહેલાં ગીજુભાઇ બધેકા દ્વારા પૂર્વપ્રાથમિક તેમજ પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે બાળકો માટે બાળ સાહિત્યનું શ્રેષ્ઠ કાર્ય કરવામાં આવ્યુ હતું. બાળકોમાં ભાષા કે વિચારો અસરકારક રીતે રજૂ કરવા માટેનું માધ્યમ વાર્તા છે એવુ તેમના પ્રયોગોથી સ્પષ્ટ થઇ ચૂક્યુ છે.ગીજુભાઇ બધેકા બાળ-કેળવણીકાર અને ગુજરાતી બાળસાહિત્યના સર્વપ્રથમ સમર્થ પુરસ્કર્તા છે. તેમણે વિપુલ માત્રામાં બાળસાહિત્ય આપ્યું છે તેથી જ કાકાસાહેબ કાલેલકરે તેમને ‘બાળસાહિત્યના બ્રહ્મા’ કહ્યા છે.
ગિજુભાઇ બધેકા દ્વારા બાલવાર્તા, બાલસાહિત્ય ઉપરાંત બાલ પદ્ધતિ શાસ્ત્ર, શિક્ષણશાસ્ત્ર ક્ષેત્રે કરવામાં આવેલ કાર્યો અને પ્રદાનના વ્યાપક પ્રચાર-પ્રસાર માટેના આયોજન અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીશ્રી દ્વારા રાજ્યના બાળકો, તેમના વાલીઓ, શિક્ષકો સુધી બાળકોને ઉપયોગી રસપ્રદ વાર્તાઓનું સર્જન, સંગ્રહ, તેનો પ્રસાર અને તેના ઉપયોગ માટેની વ્યૂહરચના તૈયાર કરવા માટે સમિતિને જણાવવામાં આવ્યું હતું. તે ઉપરાંત આ તમામ બાબતોને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ની ભલામણોને સાથે સંકલન કરી અભ્યાસક્રમ સાથે જોડવા માટે સૂચન કર્યુ હતુ. આ વર્ષની ઉજવણી દરમિયાન બાળકોને તેમની ભાષામાં વૈવિધ્યસભર વાર્તાઓનો વારસો મળે અને તેમની પ્રારંભિક ભાષા કૌશલ્યોના સ્તરમાં વધારો થાય તેવા પ્રયાસો કરવામાં આવશે.
આ બેઠકમાં પદ્મશ્રી શાહબુદ્દિન રાઠોડ, જીસીઇઆરટીના પૂર્વ નિયામક ડૉ. નલીનભાઈ પંડિત, લોકભારતી સણોસરાના મેનેજિંગ ટ્રસ્ટી અરૂણભાઈ દવે, જીસીઇઆરટી નિયામક ડૉ. ટી. એસ. જોષી, શિક્ષણવિદ્દ સાંઈરામ દવે, ભારત સ્કાઉટ એન્ડ ગાઇડ મનીષભાઈ મહેતા, ડૉ. તેજસભાઈ દોશી, આર્ષ વિદ્યામંદિર ભાવનગરના અધ્યક્ષ મેહુલભાઈ પટેલ, ડૉ. વૈશાલીબેન શાહ, એન. સી. સ્વામી, રૂપેશ ભાટીયા, અમિતભાઈ દવે સહિતના વિષય તજજ્ઞો ઉપસ્થિત રહ્યા હતા

 
(7:12 pm IST)