Gujarati News

Gujarati News

News of Friday, 26th November 2021

મૃતકને કોરોનાનો એક પુરાવો હશે તો પણ સહાય આપશું : MCCD સર્ટિફિકેટ લેવા લોકો ઉતાવળ ન કરે: આરોગ્યમંત્રી

સુપ્રીમ કોર્ટના આદેશ બાદ કામગીરી ઝડપી : કલેકટર અને તાલુકા કચેરી ખાતે ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાની કામગીરી પુરજોશમાં

કોરોનાની મહામારી દરમિયાન રાજયભરમાં અનેક લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મૃતકોના પરિવારજનોને રૂપિયા 50 હજારની સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યમાં કલેકટર અને તાલુકા કચેરી ખાતે ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં વહીવટી તંત્ર દ્વારા રૂપિયા 50 હજારની સહાયની ચૂકવણી શરૂ કરાઈ છે.

 રાજકોટ કલેક્ટર દ્વારા 144 લોકોને સહાય ચૂકવવામાં આવી હતી. આવતીકાલે વધુ 150 લોકોને સહાયની રકમ ચૂકવવામાં આવશે. રાજકોટમાં અત્યાર સુધી 738 લોકોના સહાય ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે. પ્રશાસનના ચોપડે 454 લોકોના કોરોનાથી મૃત્યુ થયું હોવાનું નોંધાયુ છે. જેની સામે 738 લોકોને સહાય આપવામાં આવશે. આમ, મૃત્યુના આંકડા અને સહાયના આંકડાની વિસંગતતા જોવા મળી રહી છે.જો કે હજુ પણ પ્રશાસન દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી ચાલુ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટની ટકોર બાદ રાજ્યમાં કોરોનાથી મૃત્યુ થનાર લોકોના પરિવારજનોને નાણા ચુકવવાની કામગીરી ઝડપી બની છે. 

કોરોનાથી મૃત્યુ પામનારના પરિવારને મુશ્કેલી ઉભી ન થાય તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે સહાય મામલે નિવેદન કર્યુ હતું. અને તેમણે જણાવ્યુ હતું કે કોરોના મૃતકોના પરિવારજનોને તકલીફ નહીં પડે. મૃતકને કોરોના હોવાનો એકપણ પુરાવો હશે તો સહાય આપવામાં આવશે. MCCD સર્ટિફિકેટ લેવા લોકો ઉતાવળ ન કરે. તમામ લોકોને સર્ટિફિકેટ વહેલા-મોડા મળી જશે. આ સહાય સુપ્રીમ કોર્ટના નિયમ અનુસાર ગુજરાત સરકાર આપશે.

(7:28 pm IST)