Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

સાધુઓ અને મહંતો માગી રહ્યા છે મતદારોના આશિર્વાદ

ગુજરાત ચૂંટણી ૨૦૨૨ : વિધાનસભામાં ૪ સાધુઓ પણ લડી રહ્યા છે ચૂંટણી

નવી દિલ્‍હી, તા.૨૬: દેશમાં રાજકીય વર્ગ અને ધર્મગુરૂઓ વચ્‍ચેના સંબંધો લોકો માટે નવાઇ નથી. દાયકાઓ પહેલાથી સાધુઓએ ઘણીવાર દેશમાં રાજકીય માર્ગ અપનાવ્‍યો છે, રાજકારણીઓના સલાહકાર બન્‍યા છે અને ઘણા ધર્મગુરૂઓ મુખ્‍યમંત્ર કે સાંસદ તરીકે પ્રજાના પ્રતિનિધી પણ બન્‍યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ ૪ સાધુ સંતો ઉભા છે જેમનું ભાવી મતદારો નક્કી કરશે. ભાજપાએ બે સાધુઓને ઉભા રાખ્‍યા છે, જયારે અન્‍ય બે સાધુઓ ગુજરાત નવ નિર્માણના સેના નામના એક ઓછા જાણીતા પક્ષે ઉભા રાખ્‍યા છે.

રસપ્રદ વાત છે કે ભાજપાએ એક સાધુ અને એક મહંતને એવી બે બેઠકો પર ઉભા રાખ્‍યા છે જયાં તેની હરીફ કોંગ્રેસ ૨૦૧૭માં ઝાંઝરડા ગામના શ્રી સાળયાનાથ સમાધી સ્‍થાનના મહંત શંભુપ્રસાદ ટુંડીયાને ઉભા રાખ્‍યા છે. ૨૦૦૭ થી ૨૦૧૨ દરમ્‍યાન ટુંડીયાએ ભાજપાની ટીકીટ પર દસાડા બેઠકનું પ્રતિનિધીત્‍વ કર્યુ હતું અને પછી ૨૦૧૪ થી ૨૦૨૦ સુધી રાજયસભાના સભ્‍ય બન્‍યા હતા.

ભગવા પાર્ટીએ ટુંડીયાને સીટીંગ એમએલએ આત્‍મારામ પરમારની જગ્‍યાએ ઉભા રાખ્‍યા છે. ભાજપાએ અન્‍ય એક સાધુને ભરૂચ જીલ્લાની જંબુસર બેઠક પર ઉભા રાખ્‍યા છે. ભરૂચ જીલ્લાના આમોદમાં નાહીયેર સ્‍વામીનારાયણ ગુરૂકુળના દેવકિશોરદાસજી સ્‍વામી જે ડી  કે સ્‍વામી તરીકે ઓળખાય છે તેમના માટે આ પહેલી ચૂંટણી છે. આ બેઠક પર કોંગ્રેસે પોતાના સીટીંગ એમએલએ સંજય સોલંકીને ફરીથી ટીકીટ આપી છે.

હમણાં જ લોંચ થયેલ ગુજરાત નવ નિર્માણ સેનાએ ચાણકય અને રાઘનપુર બેઠક પર પોતાના ઉમેદવાર તરીકે સાધુઓને પસંદ કર્યા છે. ચાણસ્‍મા બેઠક ભાજપા પાસે છે જયારે રાઘનપુર બેઠક પર કોંગ્રેસના સીટીંગ એમએલએ રઘુ દેસાઇ લડી રહ્યા છે.

નવ નિર્માણ સેનાના રાષ્‍ટ્રીય પ્રમુખ અટુલ દવેએ કહ્યું કે પક્ષનું પ્રાથમિક લક્ષ્ય ગુજરાતના મુખ્‍યમંત્રી પદે એક સાધુને બેસાડવાનું છે. તેમણે કહ્યું કે અમે ગાયને રાષ્‍ટ્રીય પ્રાણી જાહેર કરવા ઇચ્‍છીએ છીએ.

ચાણસ્‍માના ગુજરાત નવ નિર્માણ સેનાના ઉમેદવાર શિવાનંદ સરસ્‍વતીએ કહ્યું, ‘હું ૧૩ વર્ષથી સાધુ છું અને કોમવાદી તથા જાતિવાદી રાજકારણનો અણગમો છે. મને પૈસા કે સત્તાનો મોહ ના હોવાથી હું એક નવા પ્રકારનું રાજકારણ લાવવા માંગુ છું. રાઘનપુર બેઠકના ઉમેદવાર એવા અન્‍ય સાધુ દેવેન્‍દ્ર કુમાર સાધુએ કહ્યું, ‘હું એક ગૌશાળા ચલાવું છું અને મને આશા છે કે રાઘનપુર અને આસપાસના લોકો ગૌરક્ષા માટે મને જીતાડશે.'

(10:33 am IST)